Shilaj Anand Niketan School Controversy: અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક બેદરકારી સામે આવ્યા બાદ વિવાદમાં સપડાઈ છે. DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા બાદ સ્કૂલ સંચાલકોએ જવાબદાર શિક્ષકને ઘરભેગા કરી દીધા છે.
આમ છતાં હજુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સ્કૂલમાં સવારની પ્રાર્થના બંધ કરવા તેમજ વિવાદિત પુસ્તકનો અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હોવાથી આજે બજરંગદળના કાર્યકર્તાઓએ સ્કૂલમાં પહોંચીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતુ.
તમારા માટે શિક્ષણ વ્યાપાર, અમારા માટે સરસ્વતીનું મંદિર
બજરંગ દળના કેટલાક કાર્યકરો હાથમાં અલગ-અલગ સુત્રોચાર સાથેના બેનરો સાથે સ્કૂલના ગેટનું તાળું તોડીને અંદર ઘુસી ગયા હતા. બજરંગ દળના કાર્યકરોના હાથમાં રહેલા બેનરોમાં 'તમારા માટે શિક્ષણ વ્યાપાર, અમારા માટે સરસ્વતીનું મંદિર', 'છત્રપતિ સંભાજીની વીરતા ભણાવો, બાળકોને સાચો ઈતિહાસ સમજાવો', 'હિન્દુ સ્કૂલમાં વિધર્મી શિક્ષક કેમ', સ્વામી વિવેકાનંદ અને વેદોનું જ્ઞાન, એજ છે ભારતનું સાચું સન્માન', 'લવ જેહાદ કોણ કરે છે, એ ક્યારે સમજાવશો', 'શું ટ્રસ્ટના નામે તમે સરકાર અને પ્રજાને મુર્ખ બનાવી રહ્યા છો' જેવા સુત્રો લખેલા હતા.
બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈને પ્રાર્થના કરવા સાથે રાષ્ટ્રગાન ગાઈને સ્કૂલ સંચાલકો સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખાસ વાત એ છે કે, આ સમયે સ્કૂલનો સ્ટાફ ઑફિસમાં જ પુરાઈ રહ્યો હતો અને તેમણે કોઈની સાથે વાત કરવાની પણ તસ્દી નહતી લીધી.
નમાજ પઢવાથી નોબેલ પ્રાઈઝ મળે દર્શાવી બાળકોના બ્રેઈન વોશનો આક્ષેપ
હકીકતમાં શીલજ સ્થિત આનંદનિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટૂકડો મળ્યા બાદ વાલીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. એવામાં સ્કૂલ સત્તાધીશો દ્વારા છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંધ કરાવીને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવતું હોવાનો આક્ષેપ થયો હતો. જેના પગલે વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ સ્કૂલ પરિસરમાં ધમાલ મચાવી હતી.
વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા બાળકોને ભારત વિરોધી મહિલાના ગુણગાન ગાતા હોય, તેવું પુસ્તક વાંચવા દબાણ કરવામાં આવતું હતુ. જેમાં નમાજ પઢવાથી નોબેલ પ્રાઈઝ મળે, તેવું દર્શાવીને બાળકોનું બ્રેઈન વોશ કરવામાં આવતું હતુ.
હિન્દુ સંગઠનો અને વાલીઓના સ્કૂલ પરિસરમાં હોબાળાના પગલે સ્કૂલ સંચાલકો કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યા વિના ગાયબ થઈ ગયા હતા. જો કે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલનો નોટિસ ફટકારીને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું હતુ.
જવાબદાર શિક્ષકની હકાલપટ્ટી, સ્કૂલની કેન્ટિન બંધ કરી દેવાઈ
આખરે આ સમગ્ર મામલે સ્કૂલ સત્તાધીશો દ્વારા કરિક્યુલમ ડિઝાઈનર અને ટીચર ટ્રેનર તરીકે ફરજ બજાવતા મુનાઝા શમ્સને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. તેમજ DEO દ્વારા સ્કૂલને 10 હજારનો દંડ ફટકારીને સંતોષ માનવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલની કેન્ટીનની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને સોંપવામાં આવી છે. જ્યાં સુધી મંજૂરી ના મળે, ત્યાં સુધી કેન્ટિન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આનંદ નિકેતન સ્કૂલમાં નિયમિત પ્રાર્થના યોજાશેઃ સંચાલકોની સ્પષ્ટતા
આ સાથે જ DEOનો નોટિસનો જવાબ આપતા સ્કૂલ સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહતો. આ સાથે જ સ્કૂલમાં નિયમિત પ્રાર્થના યોજવામાં આવશે.
