Ahmedabad: આંતરિક ખેંચતાણ વચ્ચે AMCમાં વિપક્ષ નેતા તરીકે શહેઝાદ પઠાણ યથાવત, કોંગ્રેસના 23 પૈકી 18 કોર્પોરેટરોએ સમર્થન આપ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Sep 2024 06:00 PM (IST)Updated: Tue, 10 Sep 2024 06:00 PM (IST)
ahmedabad-news-shehzad-khan-pathan-appoint-opposition-leader-in-amc

Ahmedabad: શહેરના પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મળેલી બેઠકના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો હતો. જેમાં કેટલાક કોર્પોરેટરોએ વિપક્ષના નેતા બદલવાની રજૂઆત કરી હતી. જેના પગલે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વિપક્ષ નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના 23 જેટલા કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેઝાદ ખાન પઠાણ તરફી 15 તેમજ હરીફ જૂથના 3 કોર્પોરેટર હતા. જ્યારે 5 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. આજની બેઠકમાં AMCમાં વિપક્ષ નેતા તરીકે અન્ય કોઈ નામની સંમતિ દર્શાવવામાં નહતી આવી. આખરે સર્વાનુમતે વિપક્ષ નેતા તરીકે શહેઝાદ પઠાણને પસંદ કરવામાં આવ્યા છે.

શહેઝાદ પઠાણની રાજકીય સફર પર એકનજર
1995થી અમદાવાદના દાણીલીમડા વોર્ડ પર ભાજપનો દબદબો હતો. જો કે 2010માં શહેઝાદ પઠાણે ભાજપના ગઢમાં કાંગરા ખેરવીને આ વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શહેઝાદ પઠાણ વિરુદ્ધ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં મોટાભાગના વિરોધ પ્રદર્શનને લઈને જ છે. CAA અને NRCના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલા કરવાના કેસમાં શહેઝાદ પઠાણ સાબરમતી જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે.