Ahmedabad: ગુજરાતના મોટા શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ સ્પા સેન્ટરની આડમાં દેહવિક્રયના ગોરખધંધા બેરોકટોક ધમધમી રહ્યા છે, ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ સ્પા સેન્ટરમાં મસાજના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પા મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મસાજ ગર્લ તરીકે કામ કરતી 5 યુવતીઓને બચાવવામાં આવી છે.
હકીકતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને બાતમી મળી હતી કે, કાંકરિયા તળાવ નજીક રાજદીપ ડ્રીમ કોમ્પલેક્સના ત્રીજા માળે ચાલતા 'ઓશનિક સ્પા'માં મસાજના નામે ગ્રાહકોને શારીરીક સુખની સુવિધા પુરી પાડવામાં આવે છે.
આ બાતમીના આધારે AHTUની ટીમે ડમી ગ્રાહકને રૂ. 500ના દર ચિહ્નિત નોટ મોકલીને ટ્રેપ ગોઠવી હતી. ગ્રાહકે જેવી ડીલ ફાઈનલ કરીને ઈશારો કર્યો, તે સાથે જ AHTUની ટીમ સ્પામાં ત્રાટકી હતી.
જ્યાં કાઉન્ટર પરથી મેનેજર રાજેશ શેખ (32)ને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને 3 વર્ષથી અહીં 'ઑશનિક સ્પા' ચલાવતો હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે આ સ્પાનો અસલી માલિક નવી મુંબઈમાં રહેતો ભીમસિંહ નાયક છે.
પોલીસને દરોડા દરમિયાન સ્પામાંથી અમદાવાદ, દિલ્હી અને ઉત્તર પ્રદેશની વતની એવી 5 યુવતીઓ મળી આવી હતી. જેમને સ્પામાં સવારે 11 થી રાતના 10 વાગ્યા સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યાં પ્રત્યેક ગ્રાહક દીઠ તેમને 500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
હાલ તો પોલીસે બચાવેલી તમામ યુવતીઓને તબીબી તપાસ માટે મોકલી આપી છે. જ્યારે સ્પાના મેનેજર રાજેશ શેખની ધરપકડ કરી છે અને માલિક ભીમસિંહ નાયકને ફરાર હોવાથી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
