Pahalgam Attack: અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી ઘૂસણખોરોને પકડવા પોલીસની ક્વાયત, ધોલેરામાં અડધી રાતે કોમ્બિંગ

નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામેલ થયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Apr 2025 10:10 PM (IST)Updated: Sun, 27 Apr 2025 10:10 PM (IST)
ahmedabad-news-rural-police-combing-to-caught-illegal-bangladeshi-migrants-in-dholera
HIGHLIGHTS
  • ધોલેરા કૉમ્બિંગમાં કોઈની અટકાયત નહીં

Ahmedabad: પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને તેમને ધર્મ પૂછીને હુમલો કરવા મામલે સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી ઉઠેલો જોવા મળ્યો છે. લોકો આતંકવાદને નેસ્તનાબુદ કરવા અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માંગ કરી રહ્યાં છે. જેના પગલે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ પર એક પછી એક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું.

હકીકતમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવા માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કોમ્બિંગમાં કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડા, પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પોતાના તાબામાં આવતા શહેર-જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધરીને ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સમગ્ર ગુજરાતમાંથી 1534 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી સૌથી વધુ 890 બાંગ્લાદેશીઓ અમદાવાદમાંથી, સુરતથી 134, વડોદરાથી 500 અને રાજકોટથી 10 જેટલા બાંગ્લાદેશીઓને અડધી રાતે ઉપાડવામાં આવ્યા હતા.