Ahmedabad: વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઈ છે. હકીકતમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલા એક કેસ મામલે હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાટીદાર અનામતના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓએ નિકોલ વિસ્તારમાં પોલીસની પરવાનગી વિના કાર્યક્રમ યોજ્યો હતો. આ મામલે નિકોલ પોલીસ મથકમાં હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ, કિરણ પટેલ અને લાલજી પટેલ સહિતના 7 પાટીદાર નેતાઓ વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચવી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસના આરોપી ગીતા પટેલ અને કિરણ પટેલે અગાઉ દોષમુક્ત થવા માટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. જ્યારે આ કેસના અન્ય આરોપી હાર્દક પટેલ વારંવાર મુદ્દત પડવા છતાં કોર્ટમાં હાજર ન થતાં તેમના સામે ધરપકડં વોરંટ જારી કરવામાં આવ્યું હતુ.
હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટના ધરપકડ વોરંટને હાઈકોર્ટમાં પડકારીને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા ધરપકડ વોરંટ રદ્દ થઈ ગયું હતુ. જે બાદ હાર્દિક પટેલ દ્વારા પણ આ કેસમાં પોતાને દોષ મુક્ત કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેના પગલે આજે હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોર્ટે ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. હવે આગામી દિવસોમાં આ મામલે ટ્રાયલ શરૂ થઈ શકે છે.
