Ahmedabad: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં જ્વેલર્સને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા હાથફેરો કરે, તે પહેલા જ સોની વેપારીએ તેને ફટકારીને દુકાનની બહાર કાઢી મૂકી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાણીપ શાક માર્કેટમાં આવેલી એક જ્વેલર્સ શૉપમાં બપોરના સમયે સોની વેપારી એકલો બેઠો હતો. આ સમયે એક મહિલા દુપટ્ટા વડે પોતાનું મોંઢુ ઢાંકીને ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવી હતી. આ સમયે સોની વેપારી કંઈ સમજે તે પહેલા જ આવેલી મહિલાએ પોતાની પાસે રહેલ મરચાનો પાવડર લઈને વેપારી ઉપર ઉડાડ્યો હતો.
જો કે મરચાનો પાવડર સોની વેપારીની આંખમાં નહતો ગયો, પરંતુ તેને આવેલી મહિલાના ઈરાદાની ખબર પડી ગઈ હતી. આથી સોની વેપારી તરત જ ઉભો થઈ ગયો હતો અને આવેલી મહિલાનો એક હાથ પકડી લીધો. જ્યારે પોતાના બીજા હાથ વડે આવેલી મહિલાને ધડાધડ તમાચા મારવા લાગ્યો હતો.
સોની વેપારી મહિલાને મારતા-મારતા પોતાના કેશ કાઉન્ટર પર ચડીને બીજી બાજુથી નીચે ઉતરીને પણ મહિલાને ફટકારવાનું ચાલુ રાખે છે. આટલેથી ના અટકતા વેપારી મારતા-મારતા મહિલાને દુકાનના ગેટ પાસે લઈ જાય છે અને લાત મારીને બહાર તગેડી મૂકે છે.
જ્વેલર્શ શૉપમાં રહેલા CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સોની વેપારી ચોરી કરવા આવેલી મહિલાને 20 સેકન્ડમાં 20 તમાચા મારી રહ્યો છે.
આ મામલે સોની વેપારીએ ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો છે. જો કે પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સોના-ચાંદીની વધતી જતી કિંમતોને પગલે જ્વેલર્સમાં લૂંટ અને ચેઈન સ્નેચિંગના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક મહિના પહેલા જ નરોડા સ્થિત જે.જે. જ્વેલર્સમાં બપોરના સમયે ગ્રાહના સ્વાંગમાં આવેલા ગઠિયાએ 48 ચુનીઓનું બોક્સ તફડાવી લીધુ હતુ. આ મામલે વેપારીની ફરિયાદના આધારે નરોડા પોલીસે તપાસ હાથ ધરીને પ્રવિણ દંતાણી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી રૂ. 60 હજારની કિંમતની 48 ચુનીઓ જપ્ત કરવામાં આવી હતી. પ્રવિણની પૂછપરછમાં તેણે 15 દિવસ અગાઉ બાપુનગરમાં પણ સોની વેપારીની નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
