Rajkot: રાજકોટ-જામનગર રોડ કોળી વાસમાં રહેતા રવિભાઇ રાયમલભાઇ જાખેલીયા(ઉ.વ.27)ને અગાઉના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના સંજય રાજુ જાખેલીયાએ કારમાં આવી હું તને ઘણા દિવસથી શોધું છું, કહી કારથી કચડી હત્યાનો પ્રયાસ કરી પાંસડી ભાંગી નાખતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં હત્યાનો પ્રયાસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રવિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઇશ્વરીયા પાર્કની સામે આવેલ લાલાભાઇ ડોડીયાની વાડીએ છેલ્લા ત્રણેક વર્ષથી ખેતીકામ કરુ છુ. ગત તા.05/11ના રોજ બપોરના હું લાલાભાઇની વાડીએથી સ્કૂટર લઇને ઘરે માધાપર જમવા જવા માટે નીકળ્યો હતો, ત્યારે માધાપરવાળા રોડ પર એક ડાર્ક ગ્રે જેવા કલરની કાર લઇને સંજય રાજુભાઈ જાખેલીયા ઉભો હતો. જેણે મને બોલાવતા મેં બાઈક ઉભુ રાખેલ.
જ્યાં સંજયે મને કહેલ કે, હું તને ઘણા દિવસથી શોધુ જ છું. આજે આપણે અગાઉથી માથાકુટનો નિવાડો લાવી દેવો છે. આજે તો તારુ પુરુ કરી નાખવું છું, તેમ કહેતા મે તેને કહેલ કે, હું માથાકુટ કરવા નવરો નથી. મારે તારી સાથે કોઇ લપ કરવી નથી તેમ કહી હું બાઇક લઇ ત્યાથી નીકળી ગયો હતો.
હું એઇમ્સવાળા રોડ પરના સર્કલ પાસે પહોંચતા ત્યા રોડ ઉપર મિત્ર મનસુખ ઉભો હોય, જેણે મને માધાપરના ગેઇટ સુધી લઇ જવા જણાવતા મે તેને બાઈકમાં પાછળ બેસાડ્યો હતો. જે બાદ અમે બન્ને માધાપર તરફ જવા નીકળેલ અને સર્કલ ક્રોસ કરી સર્કલથી થોડે આગળ પહોંચતા આ સંજય જે કાર લઇ ઉભો હતો.

તેજ કાર લઇને એકદમ સ્પીડમાં અમારી પાછળ આવેલ અને અમારા સ્કૂટર પાછળ તેની કાર ભટકાડતા અમો બન્ને સ્કૂટર સહિત રોડ ઉપર ઢસડાઇને પડી ગયા હતા અને સંજય તેની કાર લઇને જતો રહેલ.
મને વધારે વાગી ગયેલ હતુ તથા મારી સાથે બેઠેલ મનસુખને પણ સામાન્ય ઇજા થઇ હતી ત્યારે ત્યા કોઇ રાહદારી કાર લઇને પસાર થતા હતા તેઓ ઉભા રહેલ અને મને તથા મનસુખને કારમાં બેસાડી એઇમ્સ હોસ્પિટલમાં લાવી સારવારમાં દાખલ કરેલ હાલ મારી સારવાર ચાલુ છે અને મને શરીરે માથામાં જમણી બાજુએ, જમણા હાથે, જમણી બાજુ પડખામાં, જમણા પગે તથા મોઢાના ભાગે ઇજા થયેલ છે મારી સારવાર કરનાર તબીબે મને જમણા હાથે તથા જમણા પગે તથા જમણી બાજુ પાંસડીમાં ફેક્ચર થયાનુ જણાવેલ હતું.
આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે રવિની ફરિયાદ પરથી આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ મામલે પીઆઇ એસ.આર.મેઘાણી અને રાઇટર હંસરાજભાઈ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં આરોપી સંજયને સાગર નામના યુવાન સાથે દુશ્મની ચાલતી હોય જેથી ફરિયાદી યુવાન સાગર સાથે ફરતો હોવાનો ખાર રાખી આરોપીએ ઈન્ટાગ્રામમાં ‘બદલો હજુ બાકી છે, જ્યાં સુધી મારીશ નહીં ત્યાં સુધી નિંદર નહીં આવે’ તેવું સ્ટેટસ મુકી ગુનાને અંજામ આપ્યો હતો.
