Ahmedabad News: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના 8માં સ્થાપના દિવસે ડો. પ્રવીણ તોગડિયાએ રામ મંદિરમાં થયેલી દાન ચોરી મામલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જે દાન ચોરી કરવામાં આવી છે તે કરોડો હિન્દુઓની આસ્થા સાથે ખિલવાડ છે. હિન્દુઓનું દિલ તૂટ્યું છે. જે પણ આમાં સામેલ છે તેમની સાથે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે.
સંગઠનના 8માં સ્થાપના દિવસે 24 જૂન 2026ના રોજ સંબોધિત કરતી વખતે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું. અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી કરવામાં આવી. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો સમજાય પરંતુ દાનની ચોરી કરનારા 25થી 50 અને તેના કરતા પણ વધારે છે. એક દિવસ ચોરી થાય પરંતુ અહીં તો દોઢ બે વર્ષથી દરરોજ કેટલા કરોડોની ચોરી છે તેમાં હું નહી પરંતુ દિલ તૂટ્યું છે. પ્રત્યેક હિન્દુનું દિલ તૂટ્યું છે. જેના માટે અમે અમારી જવાની, ઘર, ડોક્ટરી છોડી એવો હું એક નથી પરંતુ હજારો, લાખો લોકોએ છોડી દીધું. માતાએ પોતાના દિકરાને બલિદાન કર્યો. આ રામ પ્રત્યેની શ્રદ્ધા હતી. આજે આ શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. ઉંઘ નથી આવતી.
આ પણ વાંચો
તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન આ શું થયું? હું એકજ પ્રાર્થના કરું છું. આ દાનની ચોરી સાથે જેમના નામ જોડાયા છે. જે લોકો સંકડાયેલા છે. તમામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જોઇએ. ભગવાનના દાનની ચોરીનો એકજ દંડ છે અને એ છે મૃત્યુદંડ. હિન્દુઓની આસ્થાને પુનઃસ્થાપિત કરો. આજે જે લોકો રામ મંદિરની વ્યવસ્થામાં છે તેમને અમે 10 વર્ષ પહેલા છોડી દીધા છે, એટલે શું થયું અમને ખબર નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભગવાન જ તેમનો હિસાબ કરશે. પરંતુ પૃથ્વી પર જે હિસાબ લેવા માટે જવાબદાર છે, તેઓ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવે. તમામને બે મહિનાની અંદર મૃત્યુદંડ આપીને આ કરોડો હિન્દુઓની 500 વર્ષની આસ્થાના યજ્ઞને આગળ શ્રદ્ધામાં લઇ જવાનો પ્રયાસ કરે. રામ મંદિરનું પ્રથમ આંદોલનમાં પણ અમે હતા અને અંતિમ આંદોલન પણ અમે લડ્યું. ભગવાનની કૃપાથી મંદિર બની ગયું. મને વિશ્વાસ છે કે, ભગવાનની કૃપાથી આ શ્રદ્ધા અખંડ રહેશે અને આગળ કોઇ ગોટાળા નહીં થાય.
