Ahmedabad: રાય યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ, 592 વિદ્યાર્થીઓને ડિગ્રી, ડિપ્લોમાની પદવી એનાયત

સમસ્યાનું સુવિધા સાથે સમાધાન એટલે સ્ટાર્ટઅપ.આજના સમયમાં રોજગાર શોધવા કરતાં રોજગાર સર્જન તરફ આગળ વધવું એ સમયની માંગ છે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 07:27 PM (IST)Updated: Sun, 25 Jan 2026 07:27 PM (IST)
ahmedabad-news-rai-university-convocation-592-students-get-degree-certificate
HIGHLIGHTS
  • શિક્ષણ મંત્રી ડૉ. પદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ધોળકાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
  • ભારતે ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છેઃ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

Ahmedabad: ધોળકા તાલુકાના સરોડા ખાતે આવેલ રાય યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કુલ 592 વિદ્યાર્થીઓને ડિગ્રી, ડિપ્લોમા તથા માસ્ટર્સની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ દીક્ષાંત સમારોહમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકાસથી વિરાસત” મંત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતનો વિકાસ માત્ર ટેકનોલોજી સુધી મર્યાદિત નથી, પરંતુ વેદો, ઉપનિષદો અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

ભારતે ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે,” જે દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને સાંસ્કૃતિક મૂલ્યોના અનોખા સમન્વયનું પ્રતિબિંબ છે.

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા નવી પેઢીનું સક્રિય યોગદાન અનિવાર્ય છે. તેમણે “વોકલ ટુ લોકલ” અને “લોકલ ટુ ગ્લોબલ”ના મંત્રને આત્મસાત કરીને ભારતીય ઉત્પાદનો અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

મંત્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, “એક નઈ કિતાબ ખૂલ રહી હૈ આપ કે નામ સે, કહાની લીખતી હૈ આપકો અપને કામ સે.” વ્યક્તિનું ભવિષ્ય તેની મહેનત, પ્રતિબદ્ધતા અને કર્મોથી જ ઘડાય છે.

આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્ટાર્ટઅપ અને આત્મનિર્ભરતા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, સમસ્યાનું સુવિધા સાથે સમાધાન એટલે સ્ટાર્ટઅપ. તેમણે યુવાનોને સમાજની જરૂરિયાતોને ઓળખીને ટેકનોલોજી આધારિત સરળ અને અસરકારક ઉકેલો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આજના સમયમાં રોજગાર શોધવા કરતાં રોજગાર સર્જન તરફ આગળ વધવું એ સમયની માંગ છે.

આ કાર્યક્રમમાં રાય યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અનિલ તોમર, એસ્પાયર ગ્રુપના મુખ્ય વહીવટી અધિકારી ગગન ઓબેરોય, વિવિધ વિભાગોના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.