Ahmedabad: શીલજ હિટ એન્ડ રન કેસમાં બોપલ પોલીસને સફળતા, પતિની નજર સામે જ પત્નીનો ભોગ લેનાર પલ્સર ચાલક રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદના શીલજ હિટ એન્ડ રન કેસમાં પત્ની નિશી દરજીનો જીવ લેનાર પલ્સર ચાલક સુનિલને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગરબા ક્લાસમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો જેમાં નિશીનું પતિની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 06:55 PM (IST)Updated: Wed, 16 Sep 2026 06:55 PM (IST)
ahmedabad-news-pulsar-rider-arrested-in-rajasthan-4-days-after-fatal-hit-and-run-in-shilaj
ahmedabad-pulsar-bike-accident-cctv-newlywed-woman-killed-1789224394061.webp

Ahmedabad: આજથી ચારેક દિવસ પૂર્વે મોડી રાતે શહેરના શીલજ વિસ્તારમાં પલ્સર બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક યુવતીનું તેના પતિની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ સ્થળ પર બાઈક મૂકીને ફરાર થઈ ગયેલા આરોપીને આખરે રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પતિ સાથે ગરબા ક્લાસમાંથી પરત ફરતી યુવતીને પલ્સર ચાલકે ઢસડી હતી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 12 સપ્ટેમ્બરના રોજ બોપલમાં રહેતા કોરિયોગ્રાફર હાર્દિક દરજી પોતાની પત્ની નિશી સાથે ગરબા ક્લાસિસમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે હાર્દિક દરજી બાઈક પર જ્યારે પત્ની નિશી પોતાના મોપેડ પર શીલજ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પુરપાટ આવતા પલ્સર બાઈકના ચાલકે નિશી દરજીના મોપેડને ટક્કર મારી હતી.

બાઈકની ટક્કરથી નીચે પટકાયેલ નિશી દરજી મોપેડ સાથે 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નિશીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જીને બાઈકનો ચાલક પોતાનું પલ્સર સ્થળ પર મૂકીને ભાગી છૂટ્યો હતો. અકસ્માતને બે દિવસ છતાં આરોપી પોલીસ પકડથી દૂર રહેતા મૃતકના પતિ હાર્દિક દરજીએ ઈન્સ્ટાગ્રામ પર ભાવુક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી.


બાઈક નંબરના આધારે પોલીસને આરોપીનું પગેરું મળ્યું

અકસ્માત સ્થળે મળી આવેલા બાઈક રાજસ્થાન પાસિંગનું હોવાથી બોપલ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસીને રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા આરોપી સુનિલ સુધી પહોંચી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી સુનિલ થલતેજ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. અકસ્માતમાં આરોપીને પણ ઈજા પહોંચતા તેને આસપાસના લોકોએ 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ભાનમાં આવતા સુનિલ પોલીસની બીકથી ભાગીને મિત્રના ઘરે અને ત્યાંથી ડુંગરપુર જતો રહ્યો હતો.