Ahmedabad: સૈજપુર બોઘામાં જૂની અદાવતમાં સિક્યુરિટી ગાર્ડને જાહેર રોડ પર દોડાવી-દોડાવીને પટ્ટાથી બેરહેમીથી ફટકાર્યો, 7ની ધરપકડ

અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં ટોળાએ સિક્યુરિટી ગાર્ડને જાહેર રોડ પર દોડાવી-દોડાવીને બેરહેમીથી ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી કૃષ્ણનગર પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 11:38 PM (IST)Updated: Tue, 03 Nov 2026 11:38 PM (IST)
ahmedabad-news-7-arrested-after-viral-video-shows-brutal-attack-on-saijpur-security-guard

Ahmedabad: શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવીને એક યુવકને જાહેર રોડ પર દોડાવી-દોડાવીને પટ્ટા વડે બેરહેમીથી ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયાં બાદ હરકતમાં આવેલી કૃષ્ણનગર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા કપિલભાઈ લુંટે (36) સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત 31 ઓક્ટોબરે કપિલભાઈની ચાલીના નાંકે આંટા મારવા બાબતે રાહુલ લુહાર નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખીને રાહુલ અને તેનો મિત્ર બે દિવસથી કપિલભાઈને ધમકી આપતા હતા. જેનાથી ભયભીત કપિલભાઈ પોતાના પરિવારજનો સાથે સૈજપુર ટાવર પાસે રહેતા પોતાના સબંધીના ઘરે જતા રહ્યા હતા.

આ દરમિયાન ગત 1 ઓક્ટોબરની રાતે રાહુલ લુહાર પોતાના સાગરિતો લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સમાધાન માટે કપિલભાઈને મળવા પહોંચ્યા હતા. જેવા કપિલભાઈ ઘરની બહાર આવ્યા, તે સાથે જ પાંચેય ઈસમો સહિત 10થી વધુ લોકોના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. જેથી જીવ બચાવવા કપિલભાઈએ રોડ પર દોટ મૂકી હતી. જેથી રાહુલે પોતાની કમર પરથી પટ્ટો કાઢીને કપિલભાઈનો પીછો કરીને તેમને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. આ સમયે કરણ લુહારે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો.

આ દરમિયાન આસપાસના લોકો બચાવવા વચ્ચે પડતાં કપિલભાઈએ યુવતીને છેડતી કરી હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કૃષ્ણનગર પોલીસ હરકતમાં આવી હતી. આ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને 7 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ઈસમોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.