Ahmedabad: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની લાંબા રૂટની બસોમાં મુસાફરી કરતાં મુસાફરો માટે વધુ એક સુવિધા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત મુસાફરો ટ્રેનની માફક હવે એસ.ટી. બસમાં પણ ઑનલાઈન જમવાનું મંગાવી શકશે.
હકીકતમાં GSRTC દ્વારા એક્સપ્રેસ બસ માટે 'ઑન ડીમાન્ડ પેક્ડ ફૂડ, ફૂડ્સ ઑન બસ' સેવા શરૂ કરવા માટે એજન્સીની નિમણૂંક કરવા માટે એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટથી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ હાલ પુરતો અમદાવાદમાં જ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડની ડિલિવરી આપવામાં આવશે.
આ સેવા અંતર્ગત ઑનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે મુસાફર ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પરથી બુકિંગ કરી શકે છે. જેમાં મુસાફરી શરૂ થયા પછી જે સ્થળે ફૂડ મેળવવા માંગતા હોય, ત્યાં પહોંચવાના ત્રણ કલાક પહેલા મુસાફરે ઓર્ડર કરવો પડશે. આટલું જ નહીં, મુસાફર એડવાન્સમાં પણ ફૂડ બુકિંગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, નક્કી કરવામાં આવેલ એજન્સી તમાકું, બીડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં સર્વ નહી કરી શકે. તેમજ સમયસર ફૂડ સપ્લાય ના કરવાના કિસ્સામાં 5 થી 10 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
