સાણંદમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીનો ખૌફનાક ખેલઃ પ્રેમીની મદદથી ઓશિકા વડે મોંઢું દબાવી પતિને મોતને ઘાટ ઉતારી દીધો

મૃતકની પત્નીને ગામમાં રહેતા રાહુલ સાથે આંખો મળી ગઈ હતી. 10 એપ્રિલે રાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પ્રેમીને બોલાવીને પતિની હત્યા કરીને બન્ને જણાં ઘરેથી ભાગી ગયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Apr 2026 11:34 PM (IST)Updated: Sun, 12 Apr 2026 11:34 PM (IST)
ahmedabad-news-man-killed-by-wife-and-her-lover-in-sanand
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • બે દિવસ પૂર્વે ખાટલામાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું

Ahmedabad: સાણંદના ગણાસર ગામમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિને પતાવી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડીને જેલના હવાલે કરી દીધા છે.

આજથી બે દિવસ પહેલા સાણંદના ગણાસર ગામના ઈન્દિરા આવાસમાં રહેતા સંજય ઠાકોર (30)ની તેના જ ઘરમાંથી લાસ મલી આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંજયની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે મૃતકના પિતાએ હત્યા પાછળ પોતાની પુત્રવધુ પાયલ (25) અને તેના પ્રેમી પર શંકા વ્યક્ત કરી હતી. બીજી તરફ સંજયની હત્યા બાદ પાયલ અને રાહુલ ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.

આ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસ ગણતરીના કલાકોમાં પાયલ અને તેના પ્રેમી રાહુલને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, પાયલને ગણાસર ગામમાં રહેતા રાહુલ ઠાકોર સાથે પ્રેમસબંધ હતો.

આ પ્રેમસબંધમાં પતિ સંજય આડખિલીરૂપ બનતો હતો. ઘટના સમયે રાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આથી પાયલે પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. જે બાદ રાહુલે સંજયના બન્ને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે પાયલે ઓશિકાથી મોંઢું દબાવી પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સંજયની ઠંડાકલેજે હત્યા કર્યા બાદ તેની લાશને ખાટલામાં સૂતી હોય તેવી રીતે મૂકીને પાયલ અને રાહુલ ઘરનો દરવાજો બંધ કરીને ભાગી છૂટ્યા હતા. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.