Ahmedabad: રાણીપમાં સાળાએ ઉછીના પૈસાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા બનેવીએ પત્ની પર ગુસ્સો ઉતાર્યો, બેટ વડે ફટકારી લોહીલુહાણ કરી નાંખી

પતિએ પિયરમાંથી મળેલા દહેજ, દુકાન અને મકાન સહિતની મિલકતો પચાવી પાડીને બીજા લગ્ન કરી લીધા હોવાનો પત્નીનો આક્ષેપ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 06 Apr 2026 04:01 PM (IST)Updated: Mon, 06 Apr 2026 04:01 PM (IST)
ahmedabad-news-man-brutally-assaults-wife-and-daughter-over-loan-dispute-in-ranip
HIGHLIGHTS
  • રાણીપ પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર એવા આરોપીની ધરપકડ કરી
  • માતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રી ઉપર પણ જીવલેણ હુમલો કર્યો

Ahmedabad: શહેરના રાણીપ વિસ્તારમાં ઘરેલુ હિંસાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાળાએ ઉછીના પૈસાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા બનેવીએ પોતાની પત્નીને ઢોરમાર માર્યો હતો. આટલું જ નહીં, માતાને માર ખાતા બચાવવા વચ્ચે પડેલી પુત્રી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાણીપ વિસ્તારમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતાં અમિત નામના ઈસમે તેના સબંધી પાસેથી 15 લાખથી વધુ રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે અમિતનો સાળો આ પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યો, ત્યારે અમિત ઉશ્કેરાઈ ગયો હતો. અમિતે પોતાના સાસરિયાઓને ગાળો ભાંડીને સાળાને ઘરમાંથી તગેડી મૂક્યો હતો. જે બાદ માથે ખૂન સવાર થતાં ઘરમાં રહેલ મેટલના શૉ પી સઅને બેટ વડે પત્ની પર તૂટી પડ્યો હતો.

પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાનો પત્નીનો આક્ષેપ

આ સમયે ઘરમાં ઉપસ્થિત અમિતની પુત્રી માતાને બચાવવા વચ્ચે પડી હતી, તો પિતાએ તેને પણ બેરહેમીથી ફટકારી હતી. જો કે દીકરીએ પોલીસને જાણ કરતાં પિતા ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સિવિલમાં સારવાર બાદ મહિલાની હાલત સ્થિર છે. પીડિત મહિલાએ પોતાના પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, તેના પતિ અમિત પિયરમાંથી મળેલ દહેજ, દુકાન અને મકાન સહિતની મિલકતો પચાવી પાડીને બીજા લગ્ન કરી લીધા છે. અગાઉ પણ પતિએ પોતાને બે વખત આપઘાત કરવા માટે મજબૂર કરી હતી.

હાલ તો રાણીપ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપી પતિ અમિતની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત વિશ્વ હિન્દુ પરિષદનો (VHP)નો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીની પૂછપરછ અને પુરાવા એકઠા કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.