Ahmedabad News: અમદાવાદ શહેરના 615માં સ્થાપના દિવસ એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળશે. આ વર્ષે યાત્રાના રૂટમાં 2 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી રાયપુર અને ખાડિયા જેવા શહેરના કોટ વિસ્તારના ભક્તો પણ માતાજીના દર્શન કરી શકે.
યાત્રાનું સમયપત્રક અને આયોજન
શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટના અધ્યક્ષ શશિકાંત પી. તિવારીના જણાવ્યા મુજબ, 26 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે નિજ મંદિરથી માતાજીની ચલિત પ્રતિમાનું પ્રસ્થાન થશે. યાત્રામાં 3 અખાડા અને 50થી 55 જેટલા વાહનો જોડાશે. આશરે સાડા સાત કલાક નગરમાં ભ્રમણ કર્યા બાદ બપોરે અઢી વાગ્યે યાત્રા પરત ફરશે. ભક્તો માટે 500 કિલો બુંદીના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
પંચધાતુની મૂર્તિ અને અનોખો શણગાર
નગરયાત્રા માટે 12 કિલો વજનની અને દોઢ ફૂટ લાંબી-પહોળી પંચધાતુની ચલિત મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જ્વેલરી વેપારી સુરેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર, મૂર્તિ પર 1 ગ્રામ સોનાનું ગીલેટ અને લેકર પૉલિશ કરવામાં આવ્યું છે. તેમજ માતાજીના મુખારવિંદ અને આંખો પર 1 ગ્રામ મીણાકારી અને 8 નંગનું જડતર કરવામાં આવશે. અને મૂર્તિને સેવનના લાકડાના બાજઠ પર બિરાજમાન કરાશે અને સાચા તેમજ પ્લાસ્ટિકના ફૂલોથી પાલખી સજાવવામાં આવશે.
યાત્રાનો નિર્ધારિત રૂટ અને આરતીના સ્થળો
યાત્રા સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરી ત્રણ દરવાજા થઈ માણકનાથ બાબાના મંદિરે પહોંચશે, જ્યાં પ્રથમ આરતી થશે. ત્યાંથી રતનપોળ થઈ ખાડિયા ચાર રસ્તા અને ત્યારબાદ રાયપુર ચકલાસ્થિત ચકલેશ્વર મહાદેવ મંદિરે આરતી ઉતારવામાં આવશે. આગળ વધતા મ્યુનિસિપલ કોઠા (AMC કચેરી) પાસે મનપાના અધિકારીઓ દ્વારા આરતી થશે. યાત્રાનું એક મુખ્ય આકર્ષણ રિવરફ્રન્ટ પાસેનું મહાલક્ષ્મી મંદિર રહેશે, જ્યાં 15 મિનિટના રોકાણ દરમિયાન સાબરમતી નદીની આરતી પણ ઉતારવામાં આવશે. અંતે વસંત ચોક ગણેશ મંદિર અને બહુચર માતાના મંદિર થઈ યાત્રા નિજ મંદિરે પરત ફરશે.
આગામી વર્ષથી તિથિ મુજબ આયોજન
ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વર્ષથી આ નગરયાત્રા સ્થાપના દિવસને બદલે મહા શિવરાત્રિની તિથિએ યોજવામાં આવશે. તે સમયે ચન્દ્રમૌલેશ્વર મહાદેવ અને જગન્નાથ મંદિરે રોકાણ કરીને ત્રણેય શક્તિઓનો સમન્વય સાધવામાં આવશે. યાત્રા પૂર્ણ થયા બાદ નિજ મંદિરે 20 મિનિટનો હવન યોજાશે અને ત્યારબાદ પ્રતિમાને વિધિવત મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી અથવા મેયરના હસ્તે કરાવવામાં આવે તેવી શક્યતા છે.
