કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદની થશે કાયાપલટ! આ વિસ્તારમાં બનશે નવા બ્રિજ અને કોરિડોર, જાણો AMCનો માસ્ટર પ્લાન

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદમાં રૂ.2,600 કરોડનો ટ્રાફિક માસ્ટર પ્લાન! સાબરમતી પર નવા બ્રિજ, એલિવેટેડ કોરિડોર, ફ્લાયઓવર, ROB અને અંડરપાસ ક્યાં બનશે? જાણો સંપૂર્ણ વિગતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 11:29 AM (IST)Updated: Wed, 18 Nov 2026 11:29 AM (IST)
ahmedabad-commonwealth-games-2030-bridge-corridor-master-plan

Ahmedabad Development: અમદાવાદ શહેરમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરનાં ટ્રાફિક માળખાને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે અમદાવાદ મનપા દ્વારા મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે તંત્ર દ્વારા અંદાજિત 2,600 કરોડના ખર્ચે નવા રિવર બ્રિજ, મેગા એલિવેટેડ કોરિડોર, ફ્લાયઓવર, રેલ્વે ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન શરુ કરી દેવાયુ છે. વર્ષ 2026-2027ના રુ. 18,510 કરોડના વાર્ષિક બજેટમાં મંજૂર થયેલા આ પ્રોજેક્ટ્સ હવે ટેન્ડર પ્રક્રિયામાં મૂકવામાં આવ્યા છે.

સાબરમતી પર બનશે બે નવા રિવર બ્રિજ

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં રોડ કનેક્ટિવિટી વધારવા સાબરમતી નદી પર બે નવા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે પૂર્વમાં આવેલા હાંસોલમાં એરપોર્ટ વિસ્તાર અને પશ્ચિમમાં કોટેશ્વર મોટેરા વિસ્તારને જોડતો નવો રિવર બ્રિજ બનશે. આ ઉપરાંત CRRIના ટ્રાફિક સર્વે રિપોર્ટના આધારે શાહીબાગ ડફનાળાથી પશ્ચિમ કાંઠાને જોડતાં નવા બ્રિજની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ અમદાવાદના સૌથી વ્યસ્ત રોડ પર ટ્રાફિક હળવો કરવા રુ.1 હજારના ખર્ચે મેગા એલિવેટેડ કોરિડોર તૈયાર થશે.

એલિવેટેડ કોરિડોર ક્યાં બનશે?

બોપલ એસપી રિંગ રોડથી ઘુમા એલિવેટેડ કોરિડોર (પશ્ચિમ ભાગ) નહેરુનગર-શિવરંજની-રામદેવનગર જંકશન કોરિડોર, ઇસ્કોન બ્રિજ એલિવેટેડ કોરિડોર (પશ્ચિમ ભાગ) તેની સિવાય રાણીપ રાધા સ્વામી રોડથી અચેડ ડેપો, દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર ફ્લાયઓવર અને પ્રેરણાતીર્થ દેરાસરથી માનસી સર્કલ એલિવેટેડ કોરિડોરનું પણ આયોજન છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા એલિવેટેડ કોરિડોર અને નરોડા પાટિયા ફલાયઓવર સહિતના કામો હાથ ધરાશે. જ્યારે રુ.225 કરોડના ખર્ચે મેમ્કો જંકશન, ભક્તિનગર સર્કલ-કઠવાડા જંક્શન અને ચાંદલોડિયા-ગોતા ખાતે સિલ્વર સ્ટાર જંકશન ફ્લાયઓવર બ્રિજ બનશે.

રેલ્વે ઓવરબ્રિજના નિર્માણનું આયોજન

શહેરના ટ્રાફિકથી ધમધમતા પાંચ રેલ્વે ક્રોસિંગ પર ફાટકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે રુ. 775 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનશે. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ અને લાઈન ડાયવર્ઝન, મણિનગર-ઘોડાસરને જોડતો રેલવે ઓવરબ્રિજ, વટવા GIDC અને વિંઝોલને જોડતો રેલવે ઓવરબ્રિજ, ગેરતપુર સ્ટેશન રેલવે ફાટક ઓવરબ્રિજ અને એપ્રોચ રોડ અને સરખેજ રેલવે ક્રોસિંગ ઉપર નવો રેલવે ઓવરબ્રિજ (આ ઉપરાંત બુટભવાની રેલવે ઓવરબ્રિજનું પણ આયોજન છે).

કરોડોના ખર્ચે બનશે અંડરપાસ

કોમનવેલ્થ ગેમ્સ પહેલા રિવરફ્રન્ટના પૂર્વ છેડેથી સીધા એરપોર્ટ જવા માટે રુ.30 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની યોજના છે. તેમજ પિરાણા-પીપળજ રોડ અને વસ્ત્રાલ મેટ્રો પાસે માઇનોર બ્રિજ અને શહેરના 11 બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરવા માટે રુ.25 કરોડનો ખર્ચ કરાશે. ત્રાગડ અને દિવ્ય જ્યોત સ્કૂલથી શીલજ (થલતેજ) અંડરપાસ (રૂ. 50 કરોડ), નીમા ફાર્મ-મુમતપુરા અંડરપાસ (રૂ. 10 કરોડ - PPP ધોરણે) અને સીટીએમ ચાર રસ્તા-અનાજ માર્કેટ ગેટ અંડરપાસ (રૂ. 10 કરોડ) તૈયાર કરાશે.