Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા આધેડને સુરત જતી બસમાં બાજુમાં બેઠેલા પેસેન્જરે નશાયુક્ત બિસ્કિટ ખવડાવીને બેભાન કર્યા બાદ લૂંટી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. બેભાન બનેલા આધેડ બે દિવસ બાદ ભાનમાં આવ્યા, ત્યારે તેઓ નિકોલની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાપુનગરમાં રહેતા અશોકભાઈ ઝડફીયા (54)ના ભત્રીજાના સુરત ખાતે લગ્ન હોવાથી તેઓ ગત 7 ડિસેમ્બરે એક્સપ્રેસ હાઈવે પરથી ખાનગી લક્ઝરી બસમાં બેઠા હતા. આ સમયે તેમની બાજુમાં બેઠેલા મુસાફરે પોતાની બેગમાંથી વેફર અને બિસ્કિટ કાઢીને ખાવાનું શરૂ કર્યું હતુ. થોડીવાર પછી મુસાફરે ઑફર કરતાં અશોકભાઈએ પણ બિસ્કિટ ખાધુ હતુ.
આ બિસ્કિટ ખાધા પછી અશોકભાઈ બેભાન થઈ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને બાજુમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા યુવકે અશોકભાઈના પાકીટમાં રહેલા રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને રૂ. 3.40 લાખની મત્તા લૂટી લીધી હતી. ગઈકાલે જ્યારે અશોકભાઈને હોશ આવ્યો, ત્યારે તેઓ નિકોલની હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતા.
આખરે તેમણે આ સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
