Ahmedabad: ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, નકલી IAS અધિકારીઓ ઝડપાતા હોવાના તો કોઈ વખત નકલી કચેરીનો પર્દાફાશ થવાના સમાચારો સામે આવતા રહે છે, ત્યારે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં જેલમાં કેદ આરોપીના પરિવારને જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવતા ગઠિયાને ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેઈલિંગના એક કેસમાં ફસાયેલા આરોપીની પત્ની પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ લાજપોર જેલના જેલર તરીકેની આપીને પૈસાની માંગણી કરી હતી. ગઠિયાએ આરોપીની પત્નીને જેલમાં રહેવાની સુવિધા પુરી પાડવા માટે 15 હજાર રૂપિયા માંગ્યા હતા. આ બાબતનો ઓડયો વાયરલ થતાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
એવામાં અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજેશ ત્રિવેદી (રહે. ઈસનપુર)ને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી અલગ-અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ કે, નકલી જેલર રાજેશ ત્રિવેદી અલગ-અલગ ન્યૂઝ ચેનલોમાં આવતા સમાચાર ધ્યાનથી જોઈને માહિતી ભેગી કરતો હતો. જે બાદ જસ્ટ ડાયલ મારફતે જે-તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને ફોન કરતો હતો. પોલીસ મથકમાં પોતાની વકીલ તરીકેની ઓળખ આપીને આરોપીના કેસની વિગતો મેળવી લેતો હતો.
જે બાદ રાજેશ ત્રિવેદી આરોપીના પરિવારના સભ્યોને ફોન કરતો હતો અને જેલમાં સુવિધા પુરી પાડવાના નામે પોતાના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. આટલું જ નહીં, જો કોઈ આરોપીનો પરિવાર પૈસા આપવામાં આનાકાની કરે, તો તેને જેલમાં મારી નાંખવાની ધમકી આપતો હતો.
પોતે પોલીસના હાથમાં ના આવે, તે માટે આરોપી માત્ર કી-પેડ વાળા સાદા ફૉનનો જ ઉપયોગ કરતો હતો. આ રાજેશ ત્રિવેદી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું અને અમરેલી, બાપુનગર, ગાંધીનગર, કાલુપુર અને રામોલ પોલીસના હાથે અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. હાલ તો પોલીસે રાજેશ ત્રિવેદીને સુરત પોલીસને સોંપવા સહિત આગળની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
