Ahmedabad News: ગુજરાત હવે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ધીમે ધીમે ઉનાળો દસ્તક આપી રહ્યો છે. ત્રણ ચાર દિવસથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને દિવસ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે લીંબુનો ઉપાડ વધ્યો છે. છેલ્લા 20 દિવસમાં છૂટક બજારમાં લીંબુના ભાવ બમણા થઈને રૂ. 80 થી 100 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જે અગાઉ રૂ. 40 થી 50 પ્રતિ કિલોના ભાવે મળતા હતા.
આ ભાવવધારા પાછળ મુખ્ય કારણ આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાંથી લીંબુની આવકમાં થયેલો ઘટાડો છે. હાલમાં, અમદાવાદના બજારમાં ભાવનગર અને રાજકોટ જેવા ગુજરાતના વિસ્તારોમાંથી દરરોજ 25 થી 30 ટન જેટલો લીંબુનો જથ્થો આવી રહ્યો છે. જોકે, આ આવક આગામી એક અઠવાડિયામાં બંધ થવાની શક્યતા છે, જે ભાવોને વધુ ઊંચા લઈ જશે.
જમાલપુર માર્કેટના લીંબુના વેપારીઓના જણાવ્યા મુજબ, 20 દિવસ પહેલા જથ્થાબંધ બજારમાં લીંબુનો ભાવ રૂ. 20 થી 25 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂ. 35થી 45 પ્રતિ કિલો થયો છે. દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લીંબુની માંગમાં વધારો થયો છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.
વેપારીઓના અનુમાન મુજબ, આગામી અઠવાડિયા પછી ભાવનગર અને રાજકોટમાંથી આવતો લીંબુનો જથ્થો બંધ થા. જેના પગલે કોલ્ડ સ્ટોરેજમાં લીંબુનો જે જથ્થો સંગ્રહિત કરાયો છે તે બજારમાં ઠલવાશે. એપ્રિલ માસ પછી લીંબુની નવી આવકો શરૂ થવાની ધારણા છે, ત્યાં સુધી ગ્રાહકોને કોલ્ડ સ્ટોરેજના લીંબુ પર જ નિર્ભર રહેવું પડશે.
ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને હવે ગરમીમાં વધારો થશે જેના પગલે છૂટક બજારમાં લીંબુના ભાવ રૂ. 100 થી 140 પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે જથ્થાબંધ ભાવ રૂ. 60 થી 65 પ્રતિ કિલો થઈ શકે છે. આ સ્થિતિ ઉનાળાની શરૂઆતમાં લીંબુના શોખીનો માટે ખિસ્સા પર મોટો બોજ વધારશે.
