Ahmedabad Onion Lemon Prices: અમદાવાદના શાકભાજી બજારમાં ડુંગળી અને લીંબુના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળી અને લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ તૈયાર થયેલી ડુંગળીનો મોટો જથ્થો સંગ્રહ કરવાને બદલે વેચી નાખ્યો, જે બાદ જૂની ડુંગળીનો સ્ટોક ઘટતા બજારમાં અછતની સ્થિતિ ઊભી થઈ છે.
ડુંગળી અને લીંબુના હોલસેલ તથા છૂટક ભાવ
અમદાવાદના શાકભાજી બજારમાં ડુંગળી અને લીંબુના વર્તમાન ભાવની વિગત જોઈએ તો:
- ડુંગળીના ભાવ: હોલસેલ બજારમાં ડુંગળીનો પ્રતિ કિલો ભાવ રૂ. 53 છે, જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલોનો ભાવ રૂ. 70 થી 80 સુધી પહોંચી ગયો છે.
- લીંબુના ભાવ: હોલસેલ બજારમાં લીંબુના ભાવ પ્રતિ કિલો રૂ. 180 છે, જ્યારે છૂટક બજારમાં રૂ. 250 થી 300 ના ભાવે વેચાઈ રહ્યા છે.
હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના માલ પર આધાર
જૂની ડુંગળીનો સ્થાનિક સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી હાલમાં અમદાવાદનું બજાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતી ડુંગળી પર નિર્ભર છે. બજારમાં નવી ડુંગળીની પૂરતી આવક શરૂ થવામાં હજુ આશરે 15 દિવસ સુધી રાહ જોવી પડશે. નવી આવક શરૂ થયા બાદ ભાવમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.
જાણીતા હોલસેલ વેપારી મુકેશ પરિયાણીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડુંગળીના ભાવ વધવા પાછળ માત્ર આવકમાં ઘટાડો જ નહીં પરંતુ સંગ્રહની સ્થિતિ પણ મુખ્ય કારણ બની છે. વરસાદથી પાકને નુકસાન થયા પછી ખેડૂતો પાસે ઉપલબ્ધ ડુંગળીમાંથી મોટો જથ્થો અગાઉ જ બજારમાં વેચાણ માટે આવી ગયો હતો. પરિણામે સામાન્ય રીતે જૂની ડુંગળીનો બફર સ્ટોક ઉપલબ્ધ રહેતો હોય છે, તે આ વખતે ઓછો રહ્યો છે.
લીંબુની નવી આવક અટકતાં ભાવમાં દૈનિક વધારો
સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન બજારમાં લીંબુની નવી આવક શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી નવી આવક શરૂ થઈ શકી નથી. APMCના વેપારી સંજય પટેલના જણાવ્યા મુજબ, હાલ બજારમાં માત્ર જરૂરિયાત પ્રમાણે જ લીંબુની આવક થઈ રહી છે. નવી આવક અટકેલી હોવાના કારણે તેની સામે બજારમાં લીંબુના ભાવમાં રોજેરોજ વધારો નોંધાઈ રહ્યો છે.
