Ahmedabad: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. રુપાલાએ ત્રણ-ત્રણ વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગને લઈને અડગ છે. જેને લઈને આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન મળ્યું હતુ. જેમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજની 92 સંસ્થાના આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યાં હતા.
આ સંમેલનમાં આવેલ વઢવાણના રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ ક્ષત્રિયોના વિરોધને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે, રુપાલાની ટિકિટ રદ્દ થવી જ જોઈએ. આ સાથે જ તેમણે મતદાન સુધી આ લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.
જ્યારે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ઋદ્રરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, જે નેતા વાણી વિલાસમાં ભાન ના રાખે તે માફીને લાયક નથી. રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય એજ સાચી માફી હશે.
આ સંમેલનમાં સામેલ ભગીરથસિંહ યુવરાજે જણાવ્યું કે, રજવાડા દેવામાં અમે વિલંબ નથી કર્યો, તો શા માટે અમારી માંગમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને ભૂલીને અમે ભાજપ અપનાવ્યો હોવા છતાં હજુ સુધી અમારી માંગ પૂરી નથી થઈ. રુપાલાની ટિકિટ રદ્દ કરવાની અમારી માગ પૂરી થશે, તો અમે ભાજપને જીતાડવાનો પ્રયત્ન કરીશું. પાર્ટીને નુક્સાન થતું હોવાથી જ રૂપાલાએ માફી માંગી છે.
જ્યારે તૃપ્તિબાએ જણાવ્યું કે, સત્તા પર બેસવા માટે રાજકીય આગેવાનો આવી ટિપ્પણી કરે તે ના ચલાવી લેવાય. આજ પછી કોઈ પણ નેતા આવી ટિપ્પણી કરે, તો તેને ક્ષત્રિય સમાજનું આંદોલન યાદ આવશે. બીજી તરફ કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ માથા કાપવાના નહીં, માથા ભેગા કરવાની રીત છે. આજે અપમાનના લીધે ક્ષત્રિયો એકઠા થયા છે.
આ ઉપરાંત સંમેલનમાં ભાગ લેવા આવેલા રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી. જાડેજાએ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનની આગળ-પાછળ કોઈનો હાથ નથી. આ સ્વયંભુ રોષ છે. પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ થવી જ જોઈએ. અત્યારે તો માત્ર ધંધુકામાં સંમેલન યોજાયું છે. આગામી સમયમાં બીજા અનેક જિલ્લા અને તાલુકા સુધી પહોંચીશું. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે, રુપાલાની ટિકિટ રદ્દ કરો, નહીંતર ભાજપના આગેવાનો ગામમાં સભા કરવા પ્રવેશ નહીં કરી શકે.
ક્ષત્રિયોનો રોષ ખાળવા ભાજપમાં બેઠકોનો ધમધમાટ
બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા માટે ભાજપ દ્વારા પણ ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ ગોંડલ ખાતે ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક મળી હતી. જેમાં પરષોત્તમ રુપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિયોનો રોષ સમ્યો નહતો. જેથી થોડા દિવસ પહેલા જ અમદાવાદના ગોતા ખાતે ભાજપ અને રાજપૂત સમાજની સંકલન બેઠક મળી હતી. જો કે એ બેઠક પણ નિષ્ફળ નીવડી હતી અને તમામ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ જોવા મળ્યા હતા.
એવામાં આજે ફરીથી ગાંધીનગરમાં 9 જેટલા ક્ષત્રિય સમાજનાના આગેવાનો સાથે ભાજપ નેતાની બેઠક મળી હતી. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા, આઈ.કે જાડેજા અને મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.
