Ahmedabad: અમદાવાદ શહેરના મધ્યમાં આવેલું કાંકરિયા લેક (Kankaria Lakefront) આજે માત્ર મનોરંજનનું સ્થળ નહીં, પરંતુ શહેરના પ્રવાસન વિકાસનું કેન્દ્રસ્થાન બની ગયું છે.
કાંકરિયા લેકફ્રન્ટ સતત વધી રહેલી મુલાકાત સંખ્યા અને નોંધપાત્ર આવક સાથે અમદાવાદને એક મજબૂત ટુરિઝમ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે, કાંકરિયા લેકફ્રન્ટ પર કુલ મળીને અંદાજે 1.24 કરોડથી વધુ મુલાકાતીઓ આવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 2023 -2024 દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ પર કુલ 45.52 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જે બાદ વર્ષ 2024-25માં 42.53 લાખથી વધુ મુલાકાતીઓ કાંકરિયા પહોંચ્યા હતા અને ચાલુ વર્ષ 2025-26 (નવેમ્બર સુધી)માં જ 36.34 લાખથી વધુ મુલાકાતીઓ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે.

કાંકરિયા લેકફ્રન્ટ પર ઉપલબ્ધ બાલવાટિકા, ટોય ટ્રેન, નાગિના વાડી, ઝૂ, લેઝર લાઇટ શો, વિવિધ રમતો અને ફૂડ ઝોન જેવી સુવિધાઓ તેને તમામ વયજૂથ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. સ્વચ્છતા, સુરક્ષા વ્યવસ્થા અને સુવ્યવસ્થિત આયોજનને કારણે કાંકરિયા પરિવાર સાથે ફરવા માટેનું વિશ્વસનીય સ્થળ બની ગયું છે.

દર વર્ષે આયોજિત કાંકરિયા કાર્નિવલ કાંકરિયાની ઓળખને નવા આયામ આપે છે. સંસ્કૃતિ, સંગીત, મનોરંજન, આરોગ્ય અને ટેક્નોલોજી આધારિત આયોજન સાથેનું આ કાર્નિવલ લાખો નાગરિકો અને પ્રવાસીઓને આકર્ષે છે. કાર્નિવલ દરમિયાન વધતી મુલાકાત સંખ્યાથી શહેરના પ્રવાસન ક્ષેત્ર તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળે છે.

આજે કાંકરિયા માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતું સીમિત ન રહી, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ મહત્વનું આકર્ષણ બની રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર શો અને કાંકરિયા લેકફ્રન્ટ જેવા વિકાસ પ્રોજેક્ટ્સ અમદાવાદને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશામાં મજબૂત સ્થાન અપાવી રહ્યા છે.

આમ પ્રવાસીઓની સતત વધતી મુલાકાતો અને વિવિધ આકર્ષણો સાથે કાંકરિયા લેકફ્રન્ટ આજે અમદાવાદના ટુરિઝમ હબ તરીકે વિકસતું પ્રતીક બની ગયું છે અને આવનારા સમયમાં પણ શહેરના પ્રવાસન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.
