Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં એક AMTS ઈવી બસના ચાલકે ગંભીર રીતે અકસ્માત સર્જ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના કાલુપુર બ્રિજ પાસે નંબર 137 રુટની AMTS ઈવી બસના ચાલકે બેદરકારીપૂર્વક બસ ચલાવીને 2 થી 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 4 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેથી લોકો રોષે ભરાયા હતા. અને બસના ચાલકને પોલીસને હવાલે કરી દેવાયો.
કાલુપુર બ્રિજ પાસે બસ ચાલકે અકસ્માત સર્જ્યો
મળતી માહિતી મુજબ, કાલુપુર બ્રિજ પર રુટ નંબર 137 ની AMTS બસ સાંજના સમયે રામદેવ મસાલાથી બાપુનગર માટે જવા રવાના થઈ હતી. ત્યારે કાલુપુર બ્રિજ નજીક બુલેટ ટ્રેન બ્રિજ પાસે પહોચતાં બસનો 2થી 3 વાહનો સાથે એક્સિડન્ટ થયો હતો, બસ ચાલકે ત્યારબાદ બસને રિવર્સ લેતાં પાછળથી આવી રહેલા 2થી 3 ટુ વ્હીલર સાથે અકસ્માત થયો હતો. જેને લીધે એક પુરુષ અને મહિલાને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં બે લોકોને ઈજાગ્રસ્ત થયા
બંનેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટના સર્જાતા અંદાજે 200 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને આરોપી બસ ચાલકની અટકાયત કરી હતી. પોલીસ અકસ્માત સર્જનાર ચાલક અને બસને શહેરકોટડા પોલીસ મથકે લઈ ગયા હતા.
પોલીસે આરોપી ચાલકની ધરપકડ કરી
ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હોવાથી ટ્રાફિક પોલીસને આરોપી ચાલકને સોંપાયો છે. અમદાવાદમાં એએમટીએસ ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગને લીધે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આરોપી ચાલક સામે ફરિયાદ નોંધી છે.
