Ahmedabad Sarkhej Accident: અમદાવાદ શહેરમાં આજ રોજ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડીનો 15 વર્ષીય સગીર સરખેજ ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક બેફામ અને પૂરપાટ ઝડપથી આવી રહેલી પીકઅપ વાને સગીરને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનાને પગલે સગીર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.
બોલેરોએ 15 વર્ષના સગીરને અડફેટે લીધો
મળતી માહિતી મુજબ, સરખેજના ફતેવાડી વિસ્તારમાં 15 વર્ષનો સગીર સરખેજ ચાર રસ્તા પરથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે બોલેરોની અડફેટે આવી જતાં સગીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનો કેટલાક સ્થાનિકોએ વીડિયો પણ ઉતારી લીધો હતો. બોલેરોના ટાયર નીચે આવી જતાં સગીરનું મોઢું ગંભીર રીતે છુંદાઈ ગયું હતું. લોહીલુહાણ હાલતમાં સગીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સગીરને કચડ્યા સિવાય બેફામ બોલેરો ચાલકે એક વાહન અને બીજી રિક્ષાા સાથે અથડાવી હતી.
સગીરને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી
સગીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આજુબાજુના લોકો અને વાહનચાલકો મદદે આવ્યા હતા. લોકોએ ટાયર નીચે ફસાયેલા સગીરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ મોઢાના ભાગે ગંભીર રીતે વાગેલું હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી છે.
પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે આરોપી બોલેરો પીકઅપ વાહનના ડ્રાઈવરની અટકાયત કરી હતી. તેમજ નશાની હાલતમાં ડ્રાઈવરે આ દુર્ઘટનાને અંજામ આપ્યો તેની તપાસ ચાલી રહી છે. તેમજ પોલીસે ઘટનાના સીસીટીવી અને પ્રત્યદર્શીઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
