IPL 2026: આજે GT અને RCB વચ્ચે IPLની ફાઈનલ, જનપથ ટીથી મોદી સ્ટેડિયમ તથા મોટેરા ગામ સુધીનો રસ્તો બંધ રહેશે

SRP, ટ્રાફિક પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ સ્ક્વોડ સહિત 3 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે. CCTV કેમેરાથી સમગ્ર એરિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 31 May 2026 12:01 AM (IST)Updated: Sun, 31 May 2026 12:01 AM (IST)
ahmedabad-news-janpath-t-to-modi-stadium-and-motera-village-to-closed-for-the-gt-vs-rcb-ipl-final
HIGHLIGHTS
  • સવારે 11 થી મોડી રાત સુધી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે
  • મેચ પત્યા બાદ ક્રિકેટ રસિકોને ઘરે પહોંચાડવા માટે AMTS, BRTS અને મેટ્રોની વ્યવસ્થા

GT Vs RCB IPL Final: છેલ્લા દોઢેક મહિનાથી ચાલતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) તેના અંતિમ પડાવ પર આવી પહોંચી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે, ત્યારે ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ પણ ચરમ પર છે. એવામાં પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા ખાતર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ટ્રાફિક નિયમન માટે પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

મેચ નિહાળવા આવતા ક્રિકેટ ફેન્સ તેમજ વાહન ચાલકોને કોઈ અગડવ ના પડે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 11 વાગ્યાથી મોડી રાતે 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા ગામ તથા મોદી સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.

ક્યો રસ્તો બંધ રહેશે અને વૈકલ્પિક રૂટ ક્યો રહેશે?

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમનો ગેટ, કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો રોડ બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકો તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવરહાઉસ થઈને પ્રબોધ રાવળ બ્રિજ જઈ શકશે. આવી જ રીતે કૃપા રેસિડન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકશે.

ફાઈનલ મેચ માટે 3 હજાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચને લઈને અમદાવાદ પોલીસ દ્વારા 3 હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પોલીસ અધિકારી, SRP, ટ્રાફિક પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત અન્ય સ્પેશિયલ ટીમના જવાનો તૈનાત રહેશે.

આ ઉપરાંત સમગ્ર સ્ટેડિયમ એરિયાનું CCTV કેમેરા અને ટેક્નીકલ સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા માટે સ્ટેડિયમ તરફ જતાં માર્ગો, પાર્કિંગ વ્યવસ્થા અને જાહેર જનતાની અવરજવર સરળ રહે તે માટે ટ્રાફિક પોલીસને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે જ મેચ પત્યા પછી ક્રિકેટ ફેન્સને ઘરે પહોંચવામાં સરળતા રહે તે માટે AMTS, BRTS અને અમદાવાદ મેટ્રો દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.