એપ્રિલમાં અષાઢી માહોલઃ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વંટોળિયો વરસાદ, માણસા APMCમાં પાણી ફરી વળ્યા; ખેડૂતો બેહાલ

વીતેલા 4 કલાકમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ. અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 30 મિ.મી તો ગાંધીનગરના માણસામાં 26 મિ.મી વરસાદ પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 07:37 PM (IST)Updated: Tue, 07 Apr 2026 07:38 PM (IST)
ahmedabad-news-heavy-unseasonal-rain-hits-37-talukas-in-just-4-hours
HIGHLIGHTS
  • માણસા APMCમાં રહેલ ઘઉં સહિતની જણસીઓ વરસાદી પાણીમાં પલળી
  • હિંમતનગરમાં નીચાણવાળા ભાગોમાં રસ્તા પર પાણી વહેવા લાગ્યા

Ahmedabad: ગુજરાત ઉપર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે ભરઉનાળે ચોમાસું જામ્યું હોય તેમ વરસાદ તૂટી પડ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા અંકડા અનુસાર, આજે બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી અરવલ્લી જિલ્લાના સાઠંબા અને ગાંધીનગરના માણસામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

માણસા APMCમાં વરસાદી પાણી વહ્યા, જણસીઓ પલળી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં છેલ્લા 4 કલાક દરમિયાન 26 મિ.મી (1.02 ઈંચ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક તૂટી પડેલા વરસાદના પગલે માણસા APMCમાં પાણી વહેવા લાગ્યા હતા. જેના પગલે માર્કેટમાં રહેલી ઘઉં સહિતની અન્ય જણસીઓ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

સાબરકાંઠામાં મેઘાવી માહોલ જામ્યો, હિંમતનગરના રસ્તા પર નદીઓ વહી

સાબરકાંઠામાં પણ વહેલી સવારથી મેઘાવી માહોલ છવાયેલો રહ્યા બાદ 2 વાગ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. હિંમતનગરમાં 4 કલાક દરમિયાન 23 મિ.મી, તલોદમાં 18 મિ.મી, વડાલીમાં 10 મિ.મી, વિજયનગરમાં 8 મિ.મી અને પ્રાંતિજમાં 8 મિ.મી વરસાદ વરસ્યો છે.

જો હિંમતનગરની વાત કરીએ તો, અચાનક વંટોળ ફૂંકાતા રોડ પર બોર્ડ-બેનરો ઉડવા લાગ્યા હતા. તેમજ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી વહેતા થઈ ગયા હતા.

જો અન્ય તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના વિજાપુરમાં 18 મિ.મી, ભાવનગરમાં 16 મિ.મી, દાહોદના ફતેપુરામાં 13 મિ.મી, પંચમહાલના શહેરામાં 9 મિ.મી.,મહેસાણાના વિસનગરમાં 7 મિ.મી અને આણંદના ઉમરેઠમાં 7 મિ.મી વરસાદ પડ્યો છે.