Ahmedabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Gujarat Local Body Polls 2026) પડઘમ વાગતા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને મતદાન પૂર્વે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એવામાં ક્ષત્રિય સમાજનો ચહેરો ગણાતા પદ્મિનીબા વાળા પોતાના પતિ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મિનીબા વાળા અને તેમના પતિનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે.
આ સામાન્ય માણસોની પાર્ટી, જેનાથી પ્રેરાઈને હું AAPમાં જોડાઈઃ પદ્મિનીબા વાળા
આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતાં પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે, આ પાર્ટી સામાન્ય માણસો માટેની પાર્ટી છે. AAP લોકોનો અવાજ છે, જેનાથી પ્રેરાઈને આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છું.
ક્ષત્રિય આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષોથી હું બહેનો-દીકરીઓનો અવાજ ઉઠાવતી આવી છું. ભવિષ્યમાં પણ હું બહેનો-દીકરીઓ માટે હંમેશા ઉભી રહીશ. AAPમાં મને આવો સરસ લાભ મળ્યો છે કે, જેથી લોકો વચ્ચે રહીને દરેકનો અવાજ બનીને કામ કરવું. એક તરફ બીજી બધી પાર્ટીઓ માત્ર વાતો જ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટીને હું છેલ્લા ઘણાં સમયથી જોઉ છું, તે માત્ર વાતો જ નથી કરતી, પરંતુ તરત જ પરિણામ લઈને આવે છે.
અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની ઉમ્મીદ બની ગઈ છેઃ ઈસુદાન ગઢવી
આ તકે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, અત્યારે અમારી પાર્ટી ગુજરાતની જનતાની ઉમ્મીદ બની ગઈ છે. ગુજરાતના 7 કરોડ નાગરિકો અરવિંદ કેજરીવાલ અને AAPની રાજનીતિને ઉમ્મીદથી જોઈ રહ્યા છે. કેટલાય સામાજિક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામ કરવાની રાજનીતિથી પ્રેરાઈને જોડાઈ રહ્યા છે.
લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનમાં જેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એવા પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટી અને તેની વિચારધારાથી પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, જેમને હું આવકારું છું.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પૂર્વે પદ્મિનીબા વાળા ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી ટિપ્પણીને લઈને ઉઠેલા ક્ષત્રિય આંદોલનમાં પદ્મિનીબા વાળા સક્રિય રીતે ભાગ લીધો હતો અને ભાજપનો વિરોધ કર્યો હતો. હાલ તેઓ કરણી સેનાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
