Ahmedabad: 'ભગવાન પણ ભૂલો પડ્યો..!' કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે દિવ્યા ચૌધરીના તાલે શહેરીજનો ઝૂમ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 Dec 2023 10:43 PM (IST)Updated: Thu, 28 Dec 2023 10:43 PM (IST)
ahmedabad-news-gujarati-folk-singer-divya-chaudhary-perform-in-kankariya-carnival-2023

Ahmedabad: અમદાવાદ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 ડિસેમ્બર સુધી યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યાં છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્નિવલમાં પ્રથમ દિવસે વસુધૈવ કુટુમ્બકમ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે કાર્નિવલના ત્રીજા દિવસે કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયા બાદ આજે ચોથા દિવસે ગુજરાતી લોકગાયિકા દિવ્યા ચૌધરીના ગીત-સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આજે પોતાના મ્યુઝીકલ પર્ફોમન્સમાં દિવ્યા ચૌધરીએ જબ તક સાંસે ચલેગી, નયન ને બંધ રાખીને ઉપરાંત ભગવાન પણ ભૂલો પડ્યો સહિતની રચનાઓ પર શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનોએ સમગ્ર કાર્યક્રમની મજા માણી હતી.

કાંકરિયા કાર્નિવલના આજે ત્રીજા દિવસે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે-સાથે સિનીયર સીટીઝન કલબ ઓફ મણિનગર દ્વારા દેશભકિતનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત બ્લેક કમાન્ડો પીરામિડ શૉ યોજાયો હતો. જેને દર્શકોએ મનભરી માણ્યો હતો .

આ કાંકરિયા કાર્નિવલમાં શહેરીજનો ગુજરાતી ગીત-સંગીત,સ્કીટ પર્ફોર્મન્સ, નાટક, યોગ,ગરબા, દેશભક્તિના ગીતો, બોલીવુડ ગીત-સંગીત, જાદુનો શો , બ્લેક કમાન્ડો પિરામિડ શો, સુગમ સંગીત, હાસ્ય દરબાર જેવા વિવિધ પર્ફોમન્સ માણી શકશે.

જણાવી દઈએ કે, 25 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેવો કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવ્યો, તે સાથે જ સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતુ. કાર્નિવલના આરંભે જ હનુમાન ચાલિસાના દોહાનું પઠન કરવામાં આવ્યું ત્યારે બે લોકો વાનર જેવો વેશ ધારણ કરીને સ્ટેજ પર પહોંચ્યા હતા.

ખાસ વાત એ છે કે, આ વખતે કાર્નિવલમાં બાળકો માટે બાળ નગરી ઉભી કરવામાં આવી છે. જેમાં બાળકોમાં સાહસનો ગુણ વિકસે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ 2020માં કોરોના કાળને બાદ કરતાં દર વર્ષે આયોજિત થતાં આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.