Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના શતાબ્દી મહોત્સવ અને નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકને સંબોધિત કરતા ગુજરાતના આર્થિક ભવિષ્યનો મહત્વકાંક્ષી રોડમેપ રજૂ કર્યો હતો.
આ તકે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ‘વિકસિત ભારત @2047’ના વિઝનને અનુરૂપ ગુજરાતે વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે.
દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું મજબૂત યોગદાન
મુખ્યમંત્રીએ રાજ્યના મજબૂત ઔદ્યોગિક પાયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાત ભારતની GDPમાં 8.3 ટકા યોગદાન આપે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને દેશની કુલ નિકાસમાં 27 ટકા હિસ્સો ધરાવીને ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકેની પોતાની ઓળખ સાર્થક કરી રહ્યું છે.
ઉભરતા ક્ષેત્રો અને સેમિકન્ડક્ટર હબ
ભાવિ વિકાસને ટકાવી રાખવા માટે રાજ્ય સરકાર સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગ્રીન ગ્રોથ જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી (GIFT City)ને AI સેન્ટર ઓફ એક્સેલન્સ, ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિનટેક ઇકોસિસ્ટમ સાથે વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ
ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી, આઈટી (IT) અને આઈટીઈએસ (ITES) પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે નોંધ્યું હતું કે હાલમાં વિશ્વની જાણીતી ‘ફોર્ચ્યુન 500’ યાદીમાં સામેલ 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. સરકારનું લક્ષ્ય ઉદ્યોગો માટે સ્થિર અને પારદર્શક રોકાણ વાતાવરણ પૂરું પાડવાનું છે.
મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન
વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ ના મંત્રને અનુસરીને રાજ્ય સરકારે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ (Women-led development) પર ભાર મૂક્યો છે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ‘Her Start-up’ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહિલાઓની ભાગીદારી વધારશે.
FICCIના પ્રમુખ અનંત ગોએન્કાએ પણ ગુજરાતના ઔદ્યોગિક મોડલના વખાણ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની નીતિઓ અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનું જોડાણ અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ સાબિત થઈ શકે છે.
