Ahmedabad News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેની તૈયારીઓ તેજ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ, આજે પક્ષ દ્વારા રાજ્ય કક્ષાની વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિઓમાં પ્રદેશના વરિષ્ઠ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
આગામી બેથી ત્રણ મહિનામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ સુધારવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી આ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી, મેનિફેસ્ટો કમિટી, મીડિયા કમિટી, પબ્લિસિટી કમિટીની જાહેરાત કરવામાં આવી છે.
ભરતસિંહને સ્ટ્રેટેજી તો શક્તિસિંહને કેમ્પેઇનની જવબાદારી
સંભવિત ચૂંટણીઓ માટે સંગઠનને વેગવંતુ બનાવવા આ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં 'સ્ટ્રેટેજી કમિટી' (વ્યૂહરચના સમિતિ) ના અધ્યક્ષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે લાલજી દેસાઈ ઉપાધ્યક્ષ અને હેમાંગ વસાવડાની કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 'કેમ્પેઈન કમિટી' (પ્રચાર સમિતિ)નું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું છે. આ સમિતિમાં પરેશ ધાનાણીને ઉપાધ્યક્ષ અને ગેનીબેન ઠાકોરને કન્વીનર તરીકેની જવાબદારી સોંપાઈ છે, જે ઉત્તર ગુજરાતમાં પક્ષની પકડ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
'ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી' ની જવાબદારી સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે, જેમાં જીગ્નેશ મેવાણીને ઉપાધ્યક્ષ અને બિમલ શાહને કન્વીનર બનાવવામાં આવ્યા છે. આ સમિતિ પક્ષના કાર્યક્રમો અને યોજનાઓના રચાયેલી સમિતિ 'પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી' ના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર, ઉપાધ્યક્ષ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને કન્વીનર તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરાઈ છે. 'મેનિફેસ્ટો કમિટી' ના ચેરમેન પદે શૈલેષ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે મેનિફેસ્ટો સમિતિમાં રુત્વિક મકવાણા ઉપાધ્યક્ષ અને ડો. મનીષ દોશી કન્વીનર તરીકેની ભૂમિકા ભજવશે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર અને માનસિંહ ડોળિયાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા શરૂ થઈ છે, જ્યાં પ્રથમ તબક્કામાં આજે વોર્ડ નંબર 1 થી 9ના દાવેદારોને સાંભળવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં આવતીકાલે વોર્ડ નંબર 10 થી 18ના ઉમેદવારોને સાંભળી તેમની રજૂઆતો લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે અને તેના પડઘમ વાગી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટના શું હાલ થયા છે તે રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગે છે, તેઓ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવા માટે અને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે તે માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઈઝ કરવા જઈ રહ્યા છે.
