Ahmedabad: ઉનાળું વેકેશન માટે એસ.ટી. વિભાગ સજ્જ, મુસાફરોની સુવિધા ખાતર દૈનિક 1400 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાતના મોટા શહેરોથી રાજ્યના તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ધાર્મિક અને પ્રવાસન સ્થળ સુધી સમયસર પહોંચવા માટે દરરોજ એક્સ્ટ્રા બસોનું આયોજન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 May 2025 05:00 PM (IST)Updated: Sat, 03 May 2025 05:00 PM (IST)
ahmedabad-news-gsrtc-run-1400-extra-bus-for-summer-vacation
HIGHLIGHTS
  • સુરતથી સૌરાષ્ટ્ર તરફ દરરોજની 500 ટ્રીપોનું સંચાલન

Ahmedabad: અત્યારે ગુજરાતમાં બોર્ડ સિવાય તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જવા સાથે જ ઉનાળું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. એવામાં ઉનાળું વેકેશેનને લઈને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) સજ્જ થઈ ચૂક્યું છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ GSRTC દ્વારા મુસાફરોની સુવિધા ખાતર મોટા શહેરોને જોડતી દૈનિક 1400 વધારાની બસો શરૂ કરવામાં આવી છે.

GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, ઉનાળું વેકેશનમાં મુસાફરોને સમયસર બસો મળી રહે અને સલામત મુસાફરીની સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વેકેશન દરમિયાન સુરતથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં વતન તરફ જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને સુરતથી દૈનિક 500 એક્સ્ટ્રા બસો સૌરાષ્ટ્ર તરફ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ 300 બસો તેમજ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ 210 બસો દોડાવવામાં આવી રહી છે.

આ સિવાય ઉનાળું વેકેશન દરમિયાન નાગરિકો રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે, તે માટે મોટા-મોટા શહેરથી ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો સુધી એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ અને દ્વારકા માટે દરરોજ 10 ટ્રીપો અને પાવાગઢ અને ડાકોર માટે દૈનિક 5 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે દૈનિક 5 ટ્રીપો તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે દૈનિક 10 એક્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં, ગુજરાતના પાડોશી રાજ્યોમાં આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળ પર જવા માટે મુસાફરોને સરળતા રહે તે માટે GSRTC દ્વારા ઈન્ટર સ્ટેટ પણ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદથી રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધા માતા જવા માટે દૈનિક 2 ટ્રીપો તેમજ મહારાષ્ટ્રના શીરડી અને નાસિક માટે પણ દૈનિક 2 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.