Gota Hit And Run: ગોતામાં એક્ટિવા પર જતા 3 મિત્રોને ઉડાવનાર કાર ચાલક ઝડપાયો, 200થી વધુ CCTV ફંફોસ્યા બાદ પોલીસને સફળતા મળી

પોલીસ પૂછપરછમાં આરોપી કિશને પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલ તો પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 05:17 PM (IST)Updated: Sat, 29 Aug 2026 05:17 PM (IST)
ahmedabad-news-gota-hit-and-run-case-solved-sola-police-arrests-driver-after-scanning-200-cctv-cameras

Ahmedabad News, Gota Hit And Run: એક સપ્તાહ પહેલા ગોતા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ સોલા પોલીસે ઉકેલી નાંખ્યો છે. જેમાં એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

મોડી રાતે સર્વિસ રોડ પર પુરપાટ કારે એક્ટિવાને ઉડાવ્યું હતુ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 22 ઓગસ્ટના રોજ રાતના સમયે શૈલેષ યાદવ પોતાના બે મિત્રો શિવમ અને વિપિનને લઈને એક્ટિવા પર છારોડીથી પરત ફરી રહ્યા હતા. રાતે 12 વાગ્યાના અરસામાં તેમનું એક્ટિવા ગોતા સ્થિત વોડાફોન ટાવર નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ગતિએ આવતી એક કારના ચાલકે શૈલેષ યાદવના એક્ટિવાને ટક્કર મારી હતી.

કારની ટક્કરથી એક્ટિવા પર સવાર ત્રણેય મિત્રો હવામાં ફંગોળાઈને નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

CCTVની મદદથી સોલા પોલીસને કાર ચાલકનું પગેરું મળ્યું

આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. જે અંતર્ગત પોલીસે સ્થળની આસપાસના માર્ગો પરના 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવા સાથે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા માધવ ગાર્ડન નજીક રહેતા કિશન ઉર્ફે પોચી (29) ચોરસિયાની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપી કિશને પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલ તો પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.