Air India AI171 Crash Investigation: અમદાવાદમાં ગયા વર્ષે સર્જાયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ 171 (VT-ANB) ની ભયાનક દુર્ઘટના, જેમાં 260 લોકોના મોત થયા હતા, તેની તપાસને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અમેરિકા સ્થિત ઉડ્ડયન સુરક્ષા જૂથ 'ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી' (FAS) એ ભારતના 'એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો' (AAIB) ને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. FAS એ પૂછ્યું છે કે વિમાનમાં સતત સિસ્ટમની ખામીઓના પુરાવા હોવા છતાં, AAIB એ વૈશ્વિક ઉડ્ડયન સમુદાય અને બોઇંગ 787 (B787) ફ્લીટ માટે વચગાળાની સુરક્ષા ભલામણો કેમ જારી કરી નથી.
100 થી વધુ અપ્રકાશિત દસ્તાવેજો સોંપાયા
FAS ના જણાવ્યા મુજબ, તેણે ક્રેશ થયેલા વિમાન સંબંધિત 100 થી વધુ અપ્રકાશિત દસ્તાવેજો મેળવ્યા હતા, જે યુકેના AAIB ના નિષ્ણાત મારફતે ભારતના AAIB ને મોકલવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટે AAIB ના ડાયરેક્ટર જનરલને મોકેલેલા ઈમેલમાં FAS ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડ પિયરસને જણાવ્યું હતું કે, આ દસ્તાવેજો વિમાનની ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને ફ્લાઇટ કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ચાલુ રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે. FAS એ આક્ષેપ કર્યો છે કે જાહેર ખુલાસાઓમાંથી આ માહિતી છુપાવીને AAIB ભવિષ્યની દુર્ઘટનાઓ રોકવાના તેના પ્રાથમિક ઉદ્દેશ્યમાં નિષ્ફળ જઈ રહ્યું છે.
બોઇંગના પૂર્વ મેનેજરે ઉઠાવ્યા સવાલો
બોઇંગની રેન્ટન 737 ફેક્ટરીના પૂર્વ સિનિયર મેનેજર એડ પિયરસને ભૂતકાળમાં પ્રોડક્શન ટીમોના અતિશય કામના બોજ અને ભૂલો થવાની સંભાવનાઓ અંગે આંતરિક ચેતવણીઓ આપી હતી. તે ચિંતાઓ પર ધ્યાન ન અપાતાં તેમણે FAS ની સ્થાપના કરી હતી, જે 737 મેક્સ ક્રેશ બાદ બોઇંગની ઉત્પાદન પદ્ધતિઓની તપાસ માટે જાણીતી બની છે. હવે આ સંસ્થા AI171 ક્રેશ અંગે AAIB પર પારદર્શિતા માટે દબાણ કરી રહી છે.
AAIB નો પ્રત્યુત્તર
આ અગાઉ FAS એ તપાસમાં 'સ્ટેકહોલ્ડર' તરીકે ઔપચારિક માન્યતા માગી હતી. 26 ઓગસ્ટે AAIB એ પ્રતિક્રિયા આપતાં પુષ્ટિ કરી હતી કે તેમને યુકે AAIB ના નિષ્ણાત દ્વારા દસ્તાવેજો મળ્યા છે અને તપાસ ટીમ તેની સમીક્ષા કરી રહી છે. AAIB એ ભારપૂર્વક કહ્યું કે તપાસ નિયમો અનુસાર નિષ્પક્ષ અને પારદર્શક રીતે થઈ રહી છે. જોકે, FAS ના 28 ઓગસ્ટના તે પત્રનો AAIB તરફથી કોઈ જવાબ આપવામા આવ્યો ન હતો જેમાં મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો આરોપ મૂકાયો હતો.
