Ahmedabad News: અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ પઢાવવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય તેવો વીડિયો બનાવનાર અને અપલોડ કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહ કરવાનો આદેશ કરાયો છે.
નમાઝ પઢતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયા બાદ ડીઇઓ દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી અને ખુલાસો પૂછવામાં આવ્યો હતો. હવે સ્કૂલાના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ડીઇઓ દ્વારા તપાસ સમિતિની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમિતિમાં ત્રણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરાયો છે. જે કર્મચારીઓ દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેની સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ધાર્મિક માહિતી આપવાના હેતુથી નમાઝ પઢવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી દ્વારા નમાઝ પઢવામાં આવી હતી અને બીજા વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વાલીઓ ઉપરાંત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેમજ એક શિક્ષક સાથે મારામારી થઇ હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. જેને પગલે પોલીસ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વાલીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખવામાં આવ્યું હતું અને આ પ્રકારની ભવિષ્યમાં ભૂલ નહીં થાય તેવું જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના અંગે ડીઇઓને જાણ થતાં ડીઇઓ દ્વારા સ્કૂલને નોટિસ પાઠવની તત્કાળ ખુલાસો રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા હતા. ડીઇઓની ટીમ દ્વારા સ્કૂલમાં તપાસ હાથ ધરાઈ હતી અને એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં નોંધવામાં આવ્યું હતું કે, જેમાં સ્કૂલ દ્વારા સ્કૂલનો કોઇ સ્પષ્ટ ઇરાદનો ન હોવાનું જણાઇ આવ્યું હતું. ડીઇઓ દ્વારા સ્કૂલને તાકિદ કરવામાં આવી હતી કે ધાર્મિક લાગણી દુભાય તેવા કાર્યક્રમ સ્કૂલ દ્વારા કરવામાં ન આવવા જોઇએ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
