Ahmedabad News: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ પઢાવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ કેટલાક સંગઠનો દ્વારા સ્કૂલમાં હોબાળો મચાવવામા આવ્યો હતો. જે દરમિયાન સ્કૂલના મ્યુઝિક શિક્ષક સાથે મારામારી કરવામાં આવી હતી. આ બનાવમાં ઘાટલોડિયા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘાટલોડિયા પોલીસે દાખલ કરેલી ફરિયાદ અનુસાર, ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્ષ ફ્યૂચર સ્કૂલમાં વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે સ્કૂલમાં ગયા વર્ષે આર.ટી.ઇ. મુજબ મોહંમદ ઇબ્રાહિમ શેખ નામના મુસ્લિમ બાળકનું એડમીશન થયું હતું. જે હાલ ધોરણ-2માં અભ્યાસ કરે છે. આ બાળક દ્વારા ક્લાસના બાળકોની સામે દોઢેક મિનિટનો નમાઝ પઢવાનો ડેમો આપવામાં હતો . તે બાળકની પાછળ સ્વૈચ્છિક રીતે તેના ધોરણમાં અભ્યાસ કરતા અન્ય ચાર બાળકો ઉભા હતા. જેનો વીડિયો કેલોરેક્ષ સ્કૂલના ફેસબુક પેજ ઉપર અપલોડ કરાયો હતો.
આ વીડિયોમાં જે તે સમયે મ્યુઝિક શિક્ષક તરીકે મૌલિક રસિકલાલ પાઠક હાજર હોવાથી આ વીડિયોમાં તેઓ દેખાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો. જેને લઇને 3 ઓક્ટોબરના રોજ કેલોરેક્ષ સ્કૂલમાં જૂદ જૂદા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરવા માટે લોકો ભેગા થયા હોવાની જાણ મળતા અને સ્કૂલમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ પહોંચી હતી.
એકઠા થયેલા સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એ સમયે સ્કૂલના મ્યૂઝિક શિક્ષક મૌલિક પાઠક ઉપરના માળેથી નીચે આવી રહ્યાં હતા. જે દરમિયાન સ્કૂલની બહાર ઉભેલા લોકોમાંથી ત્રણ શખ્સો મૌલિક પાઠકને જોઇને ઓળખી ગયા હતા અને જોરજોરથી નારાબાજી કરવા લાગ્યા હતા. એકાએક મૌલિક પાઠક તરફ દોડ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેમજ ઉશ્કેરાઈ જઇને મૌલિક પાઠક સાથે મારામારી કરવા લાગ્યા હતા. એ વખતે હાજર પોલીસ વચ્ચે પડી હતી અને મૌલિક પાઠકને બચાવ્યા હતા.
મ્યુઝિક શિક્ષક મૌલિક પાઠકને માર મારનારની ઓળખ કરવામાં આવતા જણાઈ આવ્યું હતું કે, તેમના પર હુમલો કરનારાઓમાં ઉમંગ દામજીભાઈ મોજીદ્રા, મહર્ષ પ્રતિકભાઈ સેવક અને કુલદિપ મંગેશભાઈ દેસાઈ હતી. આ ત્રણેય શખ્સોએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોની અદાવત રાખી મૌલિક પાઠક નામના સ્કૂલના મ્યુઝિક શિક્ષક સાથે મારામારી કરી હતી. આ અંગે પોલીસ દ્વારા મૌલિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રૂબરૂ હાજર ન રહેતા અને ફરિયાદ દાખલ કરવામાં મોડું ન થાય એ માટે પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
