Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકવાદીઓના શહેરની મેટ્રો કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ તમામ આતંકવાદીઓ સ્યૂસાઈડ બોમ્બર બનવા માટે તૈયાર હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આતંકવાદીઓની ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચારેય આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે જ ATSની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ ચારેય આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર અબુના સંપર્કમાં હતા અને તેના ઈશારે કોઈ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.
આતંકવાદીઓ પાસેથી જપ્ત મોબાઈલમાંથી મળેલી માહિતીના આધારે ગાંધીનગર નજીક નાના ચિલોડાથી લોડેડ પિસ્તોલ અને આતંકવાદી સંગઠન ISISનો ઝંડો મળી આવ્યો છે.
આ અંગે વિગતો આપતાં DGP વિકાસ સહાયે જણાવ્યું કે, 18 મેના રોજ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, શ્રીલંકન નાગરિક મોહમ્મદ નુસરત, મહોમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મહોમ્મદ રસદ્દીન અમદાવાદ આવી રહ્યા છે. જેના આધારે દક્ષિણ ભારતથી અમદાવાદ આવી રહેલી તમામ ફ્લાઈટના મુસાફરોનું સઘન ચેકિંગ હાધ ખરવામાં આવ્યું. આ દરમિયાન એક PNR પર આ ચાર નામ ધરાવતા મુસાફરો મળી આવ્યા હતા. 19 મેના રોજ રાજે 8 વાગ્યે તમામ આરોપીએ ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા.
ચારેય આતંકવાદીઓ તેલુગુ છે અને તેઓ આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા છે. જેમનો હેન્ડલર અબુ પાકિસ્તાનમાં છે. જેના ઈશારા પર ચારેય આતંકવાદીઓ સ્યુસાઈડ બોમ્બ બનવા તૈયાર થઈ ગયા હતા.
આ ચારેય આતંકવાદીઓના ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરવાની હોવાથી ATS દ્વારા તમામને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
