Ahmedabad Fire News: અમદાવાદ શહેરમાં નારોલ-નરોડા હાઇવે પર બાપુનગર એપ્રોચ નજીક આવેલી બે દુકાનમાં આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. વિશ્વકર્મા બ્રિજ પરથી નીચે ઉતરતા જ ભયંકર આગના દ્રશ્યો સર્જાતા જાહેર માર્ગ પર ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
આ પણ વાંચો
આ ઘટના નારોલ-નરોડા હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર બની હોવાથી એક તરફ વાહનોની અવરજવર ચાલુ હતી, તો બીજી તરફ દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આ વિકરાળ દ્રશ્ય જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળાં પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
ફાયરની ટીમો ઘટનાસ્થળે
જે બે દુકાનોમાં આગ લાગી છે, તેની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણી દુકાનો પણ આવેલી છે. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આગના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
પ્રાથમિક દ્રષ્ટિએ આગની જ્વાળાઓ વિકરાળ જણાતી હોવાથી, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનો અંદાજ લગાવી શકાશે. જોકે, ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને કારણે અન્ય દુકાનોને થનારું મોટું નુકસાન ટળી શકે છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકનું નિયમન શરૂ કર્યું છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ ઓલવવાની કામગીરી હાલ ચાલુ છે.
