Ahmedabad: ઓઢવ સ્મશાનગૃહમાં ટાયરો અને ગોદડાથી અંતિમ સંસ્કાર, પરિજનોની CCRSમાં ફરિયાદ

ઓઢવ સ્મશાનગૃહમાં લાકડાં ખૂટી પડતાં એક મૃતદેહની અંતિમવિધિ માટે તેના સ્વજનોને અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 31 Oct 2025 03:03 PM (IST)Updated: Fri, 31 Oct 2025 03:03 PM (IST)
ahmedabad-news-family-burns-tyres-for-last-rites-at-odhav-crematorium
HIGHLIGHTS
  • પરિવારે ચાર કલાક જેટલો લાંબો સમય સુધી યાતના ભોગવવી પડી હતી.
  • આશરે પાંચથી સાત જેટલા ટાયરો અને એક ગોદડાનો ઉપયોગ કરીને મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો.

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વહીવટી તંત્રની ઘોર બેદરકારીએ ફરી એકવાર માનવતાને શર્મસાર કરી છે. અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં લાકડાં ખૂટી પડતાં એક મૃતદેહની અંતિમવિધિ માટે તેના સ્વજનોને અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ તરફથી પૂરતા અને સૂકા લાકડાંની વ્યવસ્થા ન હોવાથી, આપેલાં લાકડાં ભીના હોવાને કારણે ચિતા સળગી શકી નહોતી. લાકડાંની અછત અને ભીનાશને કારણે જ્યારે અંતિમવિધિ અટકી પડી, ત્યારે હાજર પરિવારજનો આઘાત અને રોષથી ભરાઈ ગયા હતા. મોતનો મલાજો જાળવવાના સ્થાને, પરિવારે ચાર કલાક જેટલો લાંબો સમય સુધી યાતના ભોગવવી પડી હતી.

આખરે, AMC તંત્રની નિષ્ફળતાના કારણે, સ્વજનોએ ભારે હૈયે અને ધર્મની વિરુદ્ધ જઈને પણ અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા માટે એક શરમજનક પગલું ભરવાની ફરજ પડી હતી. તેમણે આશરે પાંચથી સાત જેટલા ટાયરો અને એક ગોદડાનો ઉપયોગ કરીને મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો.

મૃતકના પરિજનોએ આ સમગ્ર ઘટના બાદ AMCના વહીવટ અને સ્મશાનગૃહના સંચાલન પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. રોષે ભરાયેલા પરિવારે આ સમગ્ર મામલે એએમસીના CCRS (સિટીઝન કેર એન્ડ રિડ્રેસલ સિસ્ટમ)માં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.