Ahmedabad: શહેરના રામોલ વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પોતાના સાગરિતો સાથે મળીને પ્રેમિકાની સાથે ફરતા યુવકને સરેઆમ બેરહેમીથી ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ પ્રેમીએ લોખંડની પાઈપના ફટકા મારીને યુવકના પગ ભાંગી નાંખતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રેમિકાના એક્ટિવા ઉપરથી ઉતરતાં જ પૂર્વ પ્રેમી ધસી આવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વસ્ત્રાલના એક એપાર્ટમેન્ટમાં પોતાના માતા-પિતા સાથે રહેતો સન્ની (30) ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સન્નીને વસ્ત્રાલની જ એક યુવતી સાથે પ્રેમસબંધ છે અને ટૂંક સમયમાં બન્ને લગ્ન પણ કરવાના છે.
ગત 2 જુલાઈના રોજ પ્રેમિકાએ સન્નીને ફોન કરીને વહેલા ઘરે બોલાવ્યો હતો. જે બાદ તે પોતાની પ્રેમિકા અને તેની બહેનપણી સાથે બહાર જમવા ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ સન્ની પ્રેમિકાના એક્ટિવા પરથી ઉતરીને રાધે ચેમ્બર્સમાં પાર્ક પોતાની ગાડી લેવા ગયો, ત્યારે યુવતીનો પૂર્વ પ્રેમી કીર્તિ પરમાર પોતાના બે મિત્રો સાથે ઘસી આવ્યો હતો.
'મારી પ્રેમિકા સાથે કેમ ફરે છે?' કહીને હુમલો કર્યો
રાધે ચેમ્બર્સના પાર્કિંગમાં જ કીર્તિ સન્ની સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. તું કેમ મારી પ્રેમિકા ચાંદની (બદલેલું નામ) સાથે ફરે છે? કહીને લોખંડની પાઈપ વડે તૂટી પડ્યો હતો. સન્નીના ઢીંચણના નીચેના ભાગે આડેધડ ફટકા મારતા તેની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી કીર્તિ પોતાના મિત્રો સાથે ભાગી ગયો હતો.
જે બાદ સન્નીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ સન્નીએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને કીર્તિ પરમારની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
