Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. એક યુવતી પર પૂર્વ પ્રેમી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવતીએ અન્ય યુવક સાથે સગાઇ કરી લેતા યુવક મધ્ય પ્રદેશથી ઘટનાને અંજામ આપવા માટે આવ્યો હતો. બનાવમાં યુવતીને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મધ્યપ્રદેશથી આવેલો યુવક નારોલમાં અલીફનગરમાં બપોરના સમયે યુવતીને મળવા પહોંચ્યો હતો. જે દરમિયાન તેણે યુવતી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ગોળી યુવતીને સ્પર્શીને નીકળી જતાં સામાન્ય ઇજા પહોંચી હતી. યુવતી પર ફાયરિંગ કર્યા બાદ યુવક ફરાર થઇ ગયો હતો. ફાયરિંગનો અવાજ સંભાળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. ઝોન 6 ડીસીપી અને તેમની સ્ક્વોડ સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝને ઝોન 6 LCB ટીમે પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે, આરોપી અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. જોકે યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થતાં બદલો લેવાના ઇરાદાથી યુવક મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.