અમદાવાદની ડિવોર્સી મહિલા બીજા લગ્નની લાલચમાં દુષ્કર્મનો ભોગ બની, સુરતના પરિણીત યુવકે હોટલમાં બોલાવી હવસનો શિકાર બનાવી

યુવકે ફોન ઉપાડવાનું બંધ કરતાં મહિલા સુરત ખાતે તેના ઘરે પહોંચી, તો યુવકની પોલ ખૂલી. તે પહેલાથી પરિણીત અને બે સંતાનોનો પિતા હોવાનો ભાંડો ફૂટ્યો. મહિલાને જોઈ યુવક છૂપાઈ ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 03:49 PM (IST)Updated: Sat, 23 May 2026 03:49 PM (IST)
ahmedabad-news-divorced-woman-from-raped-in-the-lure-of-second-marriage
HIGHLIGHTS
  • નવા વાડજની મહિલા મેટ્રોમોનિયલ સાઈટ થકી સુરતના પ્રકાશ ડોંડાના સંપર્કમાં આવી

Ahmedabad: અમદાવાદમાં શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલા બીજા લગ્નની લાલચમાં દુષ્કર્મનો ભોગ બની હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં મેટ્રોમોનિયલ સાઈટ્સ પરથી સંપર્કમાં આવેલા યુવકે મહિલાનો વિશ્વાસ કેળવીને શાહીબાગની હોટલમાં લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી. આખરે યુવક પરિણીત અને બે સંતાનોનો પિતા હોવાનો ભાંડો ફૂટતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના યુવક સાથે મેટ્રોમોનિયલ સાઈટ્સ થકી સંપર્કમાં આવી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવા વાડજ વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલાએ પુનઃ લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઈટ્સ પર પોતાની પ્રોફાઈલ મૂકી હતી. જેના દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રકાશ ડોંડા નામના યુવક સાથે પરિચયમાં આવી હતી.

પ્રકાશે પોતાના પણ 2022માં ડિવૉર્સ થઈ ગયા હોવાનું જણાવીને મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન મહિલા અને પ્રકાશ અમદાવાદના કાંકરિયા ખાતે મળ્યા હતા. જ્યારે મહિલા પણ પ્રકાશને મળવા સુરત જઈ આવી હતી.

વિસનગરના મંદિરમાં પત્ની તરીકે સ્વીકારી અમદાવાદની હોટલમાં શરીરસબંધ બાંધ્યા

આ મુલાકાતો દરમિયાન પ્રકાશ લગ્નની ખાતરી આપીને મહિલાને વિસનગર સ્થિત એક મંદિરે લઈ ગયો હતો, જ્યાં માંગમાં સિંદૂર ભરીને પત્ની બનાવી હોવાનો ઢોંગ કર્યો હતો. જે બાદ પ્રકાશ અવારનવાર મહિલાને શાહીબાગ વિસ્તારની હોટલમનાં લઈ જતો હતો, જ્યાં લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સબંધ બાંધતો હતો.

જો કે થોડા સમય બાદ પ્રકાશે મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તેને શંકા ગઈ હતી. જેથી મહિલા સુરત સ્થિત પ્રકાશના ઘરે પહોંચી ગઈ હતી, જ્યાં તેનો પ્રકાશની અસલી પત્ની સાથે ભેટો થયો હતો. આ દરમિયાન મહિલાને જાણવા મળ્યું કે, પ્રકાશ તો પહેલાથી જ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. અચાનક મહિલાને પોતાના ઘરે આવતા જોઈને પ્રકાશ છૂપાઈ ગયો હતો.આથી ફરિયાદી મહિલા અને પ્રકાશની પત્ની વચ્ચે માથાકૂટ પણ થઈ હતી.

આખરે મહિલાએ અમદાવાદ પરત ફરીને માધવપુરા પોલીસ મથકમાં પ્રકાશ ડોંડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે છેતરપિંડી અને લગ્નની લાલચે દુષ્કર્મ આચરવા જેવી કલમો હેઠલ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.