Dholka Flood: આપત્તિ સમયે ટેક્નોલૉજી બની આશાનું કિરણ, ધોળકામાં પૂરગ્રસ્તોના રેસ્ક્યુ અને રાહત કાર્ય માટે મહેસાણાના સ્ટાર્ટઅપ 'પ્રાઈમ UAV'ની વિશેષ ડ્રોન ટીમ સક્રિય

આપત્તિના સમયે આ ટેકનોલોજી લોકોના જીવ બચાવવા અને તેમની મદદ કરવામાં કામ આવે, એ જ અમારી સાચી સફળતાઃ પ્રદીપ પટેલ, ફાઉન્ડર અને CEO, પ્રાઈમ UAV

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 03:41 PM (IST)Updated: Sun, 26 Jul 2026 03:41 PM (IST)
ahmedabad-news-dholka-flood-prime-uav-drones-aid-rescue-and-relief-efforts
HIGHLIGHTS
  •  ધોળકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીથી ફૂડ પેકેટ વિતરણ અને લોકેશન ટ્રેકિંગ કરાયું

Ahmedabad News, Dholka Flood: અમદાવાદ શહેર અને જિલ્લામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્રની સાથે સાથે હવે આધુનિક ટેકનોલોજી પણ મદદે આવી પહોંચી છે.

જિલ્લાના ધોળકા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વિવિધ વિસ્તારોમાં અને શાળામાં બાળકો તથા સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હતા. આ સ્થિતિમાં ફસાયેલા માસુમ બાળકો અને નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા તેમજ તેમના સુધી તાત્કાલિક જીવનજરૂરી મદદ પહોંચાડવા માટે મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ પ્રાઈમ UAVની વિશેષ નિષ્ણાંત ડ્રોન રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના થઈ હતી.

CJP Protest: જંતર મંતર પર પહોંચેલા AAP નેતા મનિષ સિસોદિયાનો કોંગ્રેસ કાર્યકરોએ હુરીયો બોલાવ્યો, પૂછ્યું- 'પંજાબમાં પેપર લીક થયા તેનો જવાબ આપો'

દુર્ગમ વિસ્તારોમાં ટ્રેક્ટર અને હોડી દ્વારા પહોંચી ડ્રોન ટીમ

પૂરના પાણી ઘૂંટણસમાથી પણ વધુ ઊંડા હોવાના કારણે વાહનો જઈ શકે તેમ ન હતા. આવી પરિસ્થિતિમાં પ્રાઈમ યુએવીની ટીમે સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સાથે મળીને ટ્રેક્ટર તેમજ બોટ (હોડી) મારફતે પોતાના અત્યાધુનિક ડ્રોન અને ઓપરેટિંગ સિસ્ટમને પૂરગ્રસ્ત વિસ્તારના મુખ્ય પોઈન્ટ સુધી પહોંચાડ્યા હતા.

અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અને રાત્રિ ઓપરેશનથી બચાવ કામગીરીને મળ્યો વેગ


ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દિવસ-રાત જોયા વિના સતત કામગીરી હાથ ધરી હતી. રાત્રિના ઘનઘોર અંધારામાં પણ વિઝિબિલિટી ધરાવતા સર્વેલન્સ અને રેસ્ક્યૂ ડ્રોન આકાશમાં ઉડાડીને ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.

  • GPS લોકેશન ટ્રેકિંગ: પૂરના પાણીમાં ફસાયેલા લોકો અને બાળકોનું ચોક્કસ લોકેશન ડ્રોનના જીપીએસ અને કેમેરા ટ્રેકિંગ દ્વારા ત્વરિત શોધી કાઢવામાં આવ્યું હતું.
  • હવાઈ સર્વેલન્સ: સમગ્ર ધોળકા પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ અને મકાનોની સ્થિતિ પર રિયલ-ટાઇમ (લાઈવ) નજર રાખવામાં આવી હતી, જેથી રેસ્ક્યૂ બોટ અને એનડીઆરએફ/સ્થાનિક ટીમોને સાચો માર્ગ દર્શાવી શકાય.
  • વિશેષ પેલોડ બોક્સથી ફૂડ અને વોટર સપ્લાય: ડ્રોન નીચે ખાસ તૈયાર કરાયેલા સુરક્ષિત કસ્ટમ બોક્સ/કમ્પાર્ટમેન્ટમાં પીવાનું શુદ્ધ પાણી અને વોટરપ્રૂફ પેકિંગ ધરાવતા ફૂડ પેકેટ્સ મુકીને જે વિસ્તારોમાં બોટ કે ટ્રેક્ટર સીધા પહોંચી શકતા ન હતા, ત્યાં હવામાંથી જ સલામત રીતે સામગ્રી પહોંચાડવામાં આવી હતી.

સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:

સામાન્ય રીતે સંસ્થા પોતાના ડ્રોનનો ઉપયોગ ફોરેસ્ટ/એગ્રીકલ્ચરમાં વાવણી અને મચ્છર નિયંત્રણ માટે, પાણી ભરેલ સ્થળ શોધવા તેમજ માણસ પહોંચીના શકે તેવી જગ્યાએ ડેગ્યું મલેરિયાની દવા છંટકાવ માટે કરે છે. પરંતુ ધોળકામાં અતિવૃષ્ટિની તાકીદની પરિસ્થિતિમાં સંસ્થાએ પોતાની સેવાઓને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમના સ્થળ શોધવા માટે વહીવટી તંત્રની મદદ કરવાનો નિર્ણય કર્યો.

આ સમગ્ર રેસ્ક્યૂ અને રિલિફ ઓપરેશન 'પ્રાઇમ યુ.એ.વી.' ના કર્મીઓ દ્વારા કોઈપણ વ્યાવસાયિક સ્વાર્થ વગર, તદ્દન સ્વૈચ્છિક રીતે અને સામાજિક જવાબદારી તેમજ માનવતાના ઉત્કૃષ્ટ ભાવ સાથે હાથ ધરવામાં આવ્યું છે. આપત્તિના આવા કટોકટીભર્યા સંજોગોમાં આધુનિક ડ્રોન ટેકનોલોજીનો આ પ્રેક્ટિકલ ઉપયોગ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી, સુરક્ષિત અને અસરકારક બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે.

 

પ્રાઈમ UAVના ફાઉન્ડર અને CEO પ્રદીપ પટેલે જણાવ્યું કે, આપત્તિના સમયે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે થાય એ જ અમારી ટેકનોલોજીની સાચી સફળતા છે. ધોળકામાં બાળકો અને નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ અમારી ટીમે ડ્રોન સાથે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી. માનવતાની આ સેવા કરવાનો અમને ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે, 2019માં મહેસાણા ખાતે શરૂ થયેલી 'Prime UAV' એ કેન્દ્ર સરકારના DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ઝડપથી ઊભરતું સ્ટાર્ટઅપ છે. કંપની ગ્રાહકોની જરૂરિયાત મુજબના કસ્ટમાઇઝ્ડ ડ્રોન પ્રોડક્ટ્સ તેમજ સર્વેલન્સ, મેપિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન માટેની શ્રેષ્ઠ ડ્રોન સેવાઓ પૂરી પાડે છે.

ધોળકા ખાતેની બચાવ કામગીરીમાં સંસ્થાના પ્રદીપ પટેલ, હિતેન પટેલ તથા ગ્રાઉન્ડ ટીમમાં ઓપરેશન હેડ યાજ્ઞિક લખતરિયા અને તેમની ટીમ રાહુલ, દીપક અને હર્ષિલ પટેલે સતત વહીવટી તંત્ર સાથે રહીને કામગીરી કરી હતી.