Ahmedabad Demolition News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 20 મે, મંગળવારથી દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ડિમોલિશન પાર્ટ- 2નો પ્રારંભ કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને પગલે ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 જેટલા નાના-મોટા કાચા પાકા મકાન અને ઝૂંપડાઓ આવેલા છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
શહેરના દક્ષિણ ઝોનમાં રેવન્યૂ સરવે નં.- 353 દાણીલીમડા TP સ્કીમ - 37 (દાણીલીમડા) ચંડોળા તળાવની હદમાં આવેલા કાચાં-પાકાં આવાસો/દબાણો દૂર કરવા માટે તારીખ 20મી મેથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ડિમોલિશનની કામગીરી માટે આગોતરુ આયોજન, અમલ અને સંકલન કરવા માટે દક્ષિણ ઝોનના Dy.MC અને Dy.MC એસ્ટેટના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરવા આદેશ કરાયા છે.
આ પણ વાંચો
આ કામગીરી હાથ ધરવા માટે એસ્ટેટ, ફાયર, JDM સેન્ટ્રલ વર્કશોપ, AMTS, સોલિડ વેસ્ટ, સિટી ઈજનેર- સિવિલ, હેલ્થ, ફૂડ, મેડિકલ હેલ્થ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પબ્લિસિટી, એડિશનલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર -વોટર રીસોર્સ, UCDના ડાયરેક્ટર, એડિ. સિટી ઈજનેર - લાઈટ, વગેરે વિભાગોના HOD સહિતના અધિકારીઓને ફરજ અને જવાબદારી સોંપવામાં આવી છે અને જે અધિકારીઓને આ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે તે રજા પર હોય તો તે માટે ચાર્જ ધરાવનારા અધિકારીએ ફરજ બજાવવાની રહેશે.
મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલા પણ મકાને આવેલા છે તે તમામ મકાનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અને AMCની ટીમ દ્વારા અત્યારે હાલમાં આ મામલે રાઉન્ડ લઈ કામગીરી કરવામાં આવી રહી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલિશન શરૂ કરાશે. ચંડોળા તળાવમાં જેમ જેમ દબાણ દૂર થશે તેમ કેટલા વિસ્તારમાં બાઉન્ડ્રી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
