Ahmedabad: બોપલના બંગલામાં થયેલી રૂ. 6.02 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા ચોરને જમાલપુરથી દબોચ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Apr 2024 09:56 PM (IST)Updated: Thu, 11 Apr 2024 09:56 PM (IST)
ahmedabad-news-crime-branch-solve-rs-6-02-lakh-theft-case-2-held
HIGHLIGHTS
  • ઈકો કારની લોનના હપ્તા ભરવા માટે નિવૃત દંપતીના ઘરે ખાતર પાડ્યું

Ahmedabad: આજથી એક અઠવાડિયા અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં નિવૃત દંપતીના બંગલામાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને રૂ. 6.02 લાખની ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાંખીને જમાલપુરથી બે રીઢા ચોરને ઝડપી પાડ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ ઊંટવાળી ચાલી નજીકથી અનિલ વાઘેલા ઉર્ફે બાલો (ઉં.વ. 24, રહે. ઉતેલીયા ગામ, ધોળકા, અમદાવાદ) અને સુરેશ મકવાણા ઉર્ફે સુખો (ઉં.વ. 52, રહે. ઉતેલીયા, ધોળકા, અમદાવાદ)ની અટકાયત કરી હતી. જેમની અંગજડતી લેતા તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ અને કાર સહિત કુલ 10.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જે પૈકી બાલાએ લોન પર ઈકો ગાડી લીધી હતી, જેના હપ્તા માટે પૈસાની જરૂર હોવાથી બન્ને આરોપીઓએ અમદાવાદમાં ચોરી કરવાની યોજના બનાવી હતી.

જે અંતર્ગત ગત 3 એપ્રિલના રોજ બપોરે બન્ને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. જ્યાં બોપલ બ્રિજ નીતે કાર મૂકીને બન્ને જણાંએ ચાલતા-ચાલતા આસપાસના બંગલાઓની રેકી કરી હતી. જે બાદ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ડી-માર્ટની સામે આવેલ બંગલામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 6.02 લાખનો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે બન્નેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.