Ahmedabad News: અમદાવાદના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ બંધ કરી દેવાયેલા તમામ વર્ગો હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યા છે. તબક્કાવાર શરૂ કરાયેલા શિક્ષણકાર્ય અંતર્ગત ગુરુવારે ધોરણ 6થી 8ના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 55 ટકા જેટલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની હાજરી જોવા મળી હતી. ધોરણ 6થી 12માં ઓવરઓલ આશરે 60 ટકા હાજરી નોંધાઈ હતી.
શુક્રવારથી ધોરણ 1થી 5ના નાના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેના માટે અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ સાથે જ, સ્કૂલમાં ધોરણ 1થી 12 સુધીના તમામ વર્ગો સંપૂર્ણપણે શરૂ થઈ જશે.
સિક્યુરિટીના સઘન બંદોબસ્ત વચ્ચે પ્રવેશ
સ્કૂલમાં પ્રવેશ પહેલાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સુરક્ષા તપાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ગુરુવારે સવારે વિદ્યાર્થીઓને મુખ્ય ગેટ પર સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ દ્વારા મેટલ ડિટેક્ટર વડે ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
- સ્કૂલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ધોરણે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
- આવશ્યકતા મુજબ 65 જેટલા વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
- સ્કૂલ કેમ્પસમાં ૨૫થી વધારે બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા છે.
- ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા.
- પ્રાથમિક સારવાર માટે સ્કૂલ કેમ્પસમાં જ ડિસ્પેન્સરીની વ્યવસ્થા.
DEO અને પ્રિન્સિપાલના નિવેદન
સ્કૂલના પ્રિન્સિપાલ રોબિન્સન ઉન્નરાસીના જણાવ્યા અનુસાર, "સ્કૂલમાં હવે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. શૈક્ષણિક અને વહીવટી સ્ટાફના માધ્યમથી વિદ્યાર્થીના આવાગમન પર સતત સુપરવિઝન રાખવામાં આવશે. ખાસ કરીને રીસેસના સમયગાળામાં અને શિક્ષણ કાર્ય પૂર્ણ થયા પછી દરેક વિદ્યાર્થી પર ધ્યાન રાખવામાં આવશે."
શહેર ડીઈઓ, અમદાવાદના રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "સેવન્થ ડે સ્કૂલના મોનિટરીંગ માટે નિયુક્ત કરેલી બે સભ્યોની કમિટીએ તપાસ પૂર્ણ કરી છે. તેમની મંજૂરી બાદ ગુરુવારે ધોરણ ૬થી ૮ અને હવે શુક્રવારે ધોરણ ૧થી ૫માં ઓફલાઈન શિક્ષણ કાર્યની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ, ધોરણ ૧થી ૧૨માં શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ જશે." હત્યાકાંડની ઘટના બાદ વાલીઓમાં ફેલાયેલા ડરને દૂર કરવા માટે સ્કૂલ પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા સુરક્ષાના આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
