Ahmedabad: સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી, લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

ઔડા ગાર્ડન નજીક કોઈ વ્યક્તિ ફેંકીને ગયેલા બાટલામાંથી ક્લોરિન ગેસ લીકેજ થઈ રહ્યો છે. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો, જેથી ગેસ વધારે ફેલાય નહીં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 07 Dec 2025 10:20 PM (IST)Updated: Sun, 07 Dec 2025 10:20 PM (IST)
ahmedabad-news-chlorine-gas-leakage-near-sola-bhagwat
HIGHLIGHTS
  • નજીકમાં આવેલી એક હોટલને બંધ કરાવવામાં આવી
  • ફાયરના બે જવાનોની તબિયત લથડતા તાત્કાલિક સોલા સિવિલમાં રિફર કરાયા

Ahmedabad: અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલ સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી જવા પામી છે. જેના કારણે આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોલા ભાગવત નજીક આવેલા માધવ ઔડા ગાર્ડન પાસે અજાણી વ્યક્તિ ક્લોરિન ગેસનો બાટલો નાંખીને જતું રહ્યું હતુ. જેમાંથી ગેસ લીકેજ થવાના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી હતી.

બીજી તરફ આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન બે ફાયર બ્રિગેડના જવાનોને ગંભીર અસર પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, બાટલામાંથી ક્લોરિન ગેસ લીકેજ થઈ રહ્યો છે. આથી ગેસ બહાર નીકળી જવા દેવો પડે તેમ હોવાથી અમારી ટીમ પાણીનો મારો ચલાવી રહી છે. જેથી ગેસ હવામાં વધારે ફેલાય નહીં. તકેદારીના ભાગરૂપે નજીકમાં આવેલી એક હોટલને બંધ કરાવવામાં આવી છે.