Ahmedabad Fake Liquor Scam: ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ વિદેશી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત નીપજ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના સરખેજ વિસ્તારમાં સસ્તી શરાબને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને વેચવાના રેકેટનો પર્દાફાશ કરીને બુટલેગરની ધરપકડ કરી છે.
હકીકતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સરખેજ ફતેવાડી કેનાલ પાછળ રહેણાંક મકાનમાં સમીર ખાન ઉર્ફે એસ.કે. બાપુ નામનો બુટલેગર સસ્તા દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરીને ઊંચી કિંમતે વેચી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફતેવાડી કેનાલ પાછળ આવેલા એસ.કે. બાપુના રહેણાંક મકાનમાં દરોડો પાડીને તેને ઝડપી પાડ્યો હતો.
આ સાથે જ પોલીસે સ્થળ ઉપરથી સસ્તા દારૂની 174 સીલબંધ બોટલ, બ્રાન્ડેડ દારૂની 29 ખાલી બોટલો, ડુપ્લિકેટ સ્ટીકરો, ફેવિક્વિક સહિત 2.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બોટલ પર ફેવિક્વિકની મદદથી બ્રાન્ડેડ કંપનીના બુચ ચોંટાડી ઊંચી કિંમતે વેચતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બુટલેગર સમીરખાન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ વેજલપુર પોલીસના હાથે પ્રોહિબિશનના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. સમીરખાન નિશારખાન અને હાર્દિક પરમાર નામના વ્યક્તિઓ પાસેથી સસ્તો દારૂ ખરીદતો હતો. જે બાદ પોતાના ઘરમાં જ બ્રાન્ડેડ દારૂની બોટલોમાં સસ્તો દારૂ ભરી નાંખતો હતો.
લોકોને શંકા ના જાય, તે માટે બોટલ પર ફેવિક્વિકની મદદથી બ્રાન્ડેડ દારૂના બુચ ચોંટાડી દેતો અને પછી લોકો પાસેથી વાસ્તવિક કિંમત કરતાં 5 થી 10 ગણી રકમ વસૂલતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુટલેગર સમીર ખાન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
