અમદાવાદ સિવિલમાં 175મું અંગદાન: અમરાઈવાડીના બ્રેઈન ડેડ સતિષ ચૌહાણના એક લીવર અને 2 કિડનીના દાનથી 3 લોકોને નવજીવન

પિતાની છત્રછાયા ગુમાવનાર બે માસુમ ભુલકાઓના પિતાના અંગદાન થકી પરિવારજનોએ બીજા કોઇ માસુમના માથે થી પિતાની છત્રછાયા જતા બચાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Dec 2024 06:32 PM (IST)Updated: Thu, 05 Dec 2024 06:32 PM (IST)
ahmedabad-news-brain-dead-patient-organ-donation-give-new-life-of-three-in-civil-hospital
HIGHLIGHTS
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં કુલ 36 અંગદાન

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું છે. જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 3 સુધીમાં એટલે કે 11 મહિનામાં થયેલ આ 36મું અંગદાન છે. જેમાં અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સતિષ ચૌહાણને બ્લડ પ્રેશરની બીમારીના કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું હતુ. જેથી તા.27/11/2024 ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તા.30.11.2024 ના રોજ ડૉક્ટરોએ સતિષભાઇ ચૌહાણને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સતિષભાઇ ચૌહાણના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મૃત્યુ પામેલું જ હોઇ આવી પરિસ્થિતીમાં સતિષભાઇ ફરીથી બેઠા થઇ શકે તેમ ન હોઈ તેમના અંગોના દાન વિશે સમજાવ્યા હતા.

સતિષભાઇના માતા-પિતા, બે માસૂમ બાળકોની માતા તેવા તેમના પત્ની તેમજ અન્ય હાજર સગા વહાલા માટે આ અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પણ ખૂબજ અઘરુ હતું, ત્યાં ડોકટરોએ સમજાવ્યા પ્રમાણે અંગદાન નો ર્નિણય લેવો તે લગભગ અશક્ય હતું.

સિવિલના ડોક્ટોરોની સમજાવટ, કુનેહ અને ધીરજપૂર્વકની સારવારના કારણે આખરે બ્રેઈન ડેડ થયાના 4 દિવસ પછી સતિષભાઇના પરીવારજનોએ ભગવાનને ગમ્યુ તે ખરુ તેમ માની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઇ માસૂમના માથેથી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઊમદા હેતુથી સતિષભાઇના અંગોનું દાન કરવાનો ર્નિણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે. જેના થકી 550 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સિવિલ મેડીસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.