Ahmedabad: અમદાવાદ: શહેરમાં ભક્તિ અને આસ્થાના નામે નિર્દોષ લોકોને છેતરતા તત્વો સામે 'ભારત જન વિજ્ઞાન જાથા'એ લાલ આંખ કરી છે. નિકોલ પોલીસના સહયોગથી જાથાની ટીમે છેલ્લા 30 વર્ષથી સંતાન પ્રાપ્તિ અને રોગ નિવારણના બહાને લોકોની છેતરપિંડી કરતા ભૂવા રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ જોટાણીયાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
માતાજીની વિધિના નામે લાખો રૂપિયા ખંખેરતો હતો
નિકોલ વિસ્તારમાં પોતાના ઘરમાં જ મેલડી માતા અને મોગલ માતાનો મઢ બનાવીને બેઠેલો આ ભૂવો દર મંગળવારે દરબાર ભરતો હતો. જ્યાં તે તે વિધિ-વિધાન અને માંડવાના નામે 1 લાખ રૂપિયા જેટલી મોટી રકમ વસૂલતો હતો.રાજુ ભૂવો નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટે મઢમાં પ્રતિકાત્મક ઘોડિયું મૂકવાની લાલચ આપતો હતો.
રોગ મટાડવા માટે લોકોને જુવારના દાણા પીવડાવતો હતો. તેમજ પાટમાં દાણા નાખી એકી-બેકીની કરામત દ્વારા અને પોતાના સાગરિતોની મદદથી લોકોને ભ્રમમાં રાખતો હતો.
છેલ્લા 6 મહિનાથી મળી રહેલી ફરિયાદોના આધારે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ એક યોજના બનાવી હતી. જાથાના સભ્યો ભક્તિબેન અને રવિએ ડમી ગ્રાહક બનીને ભૂવાની મુલાકાત લીધી હતી. ભૂવાએ તેમને 24 દિવસની 'ટેક' આપી આશીર્વાદ આપ્યા હતા અને દાણા પીવડાવ્યા હતા. તમામ પુરાવાઓ એકત્ર કર્યા બાદ જાથાએ પોલીસની મદદ માંગી હતી.
જો કે શરૂઆતમાં વહીવટી કારણોસર વિલંબ થયા બાદ, નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. વાઘેલા અને અન્ય સ્ટાફના સહયોગથી જાથાની ટીમે દરોડો પાડ્યો હતો. જાથાની ટીમને જોઈને ભૂવો રાજુ પ્રજાપતિ હતપ્રભ થઈ ગયો હતો. તેણે પોતાની તમામ કરામતો અને લોકોને ભ્રમમાં નાખવાની વાત કબૂલી લીધી હતી. જાથાએ આ ભૂવા પાસેથી લેખિત કબૂલાતનામું અને જાહેર માફી પત્ર મેળવ્યું છે. પ્રથમ વખત હોવાથી તેને સુધરવાની તક આપી ધતિંગ બંધ કરાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત જન વિજ્ઞાન જાથાનો આ 1281મો સફળ પર્દાફાશ છે. આ સાથે જ જાથા દ્વારા જ્યોતિષ, દોરા-ધાગા કે દાણા જોઈને ઉપચાર કરતા ધતિંગબાજોથી છેતરાયેલા લોકોએ આધાર-પુરાવા સાથે જાથાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
