Ahmedabad: અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે બે જગ્યાએ ધીંગાણું, શાહીબાગમાં પરિવાર પર હુમલો; બાપુનગરમાં યુવકને ચાકુનો ઘા ઝીંકાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Nov 2023 08:56 PM (IST)Updated: Tue, 14 Nov 2023 08:57 PM (IST)
ahmedabad-news-attack-on-shahibaug-and-bapunagar-over-fire-cracker-brust

Ahmedabad: દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ જાહેરનામું માત્ર કાગળ પર જ રહી ગયું હોય તેમ મોડી રાત સુધી ફટાકડા ફૂટી રહ્યાં છે. આ ઉપરાંત લોકો જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે પણ ફટાકડા ફોડતા હોવાનું ધ્યાને આવ્યું છે. અનેક ઠેકાણે ફટાકડા ફોડવા બાબતે ઠપકો આપતા મારામારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. આવા જ કિસ્સા શહેરના શાહીબાગ અને બાપુનગર વિસ્તારમાંથી સામે આવ્યા છે.

મને ઓળખે છે, હું વકીલ છું તને દોડતો કરી દઈશ…
ગત 12 નવેમ્બરના રોજ પોલીસ કમિશનર કચેરીના ખાંચામાં આવેલી શાહીબાગ સોસાયટીના કોમન પ્લોટમાં મનોજભાઈ બાહેતી પોતાના ભત્રીજાઓ સાથે સોસાયટીના કોમન પ્લોટમાં ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે સોસાયટીમાં રહેતા રમેશ પંચાલે ગાડીઓ પડી હોવાથી સાચવીને ફટાકડા ફોડવાનું કહ્યું હતુ. આ દરમિયાન એક શખ્સ દોડી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, ઓય તુ મને ઓળખે છે? હું પૂર્વાંગ વકીલ છું, તને દોડતો કરી દઈશ. એમ કહીને તેણે મનોજભાઈને લાફો મારી દીધો હતો.

આ દરમિયાન રમેશભાઈ પંચાલ, તેમના ઓળખીતા ધુવલભાઈ અને તેમનો દીકરો મ્રુદલ પણ દોડી આવ્યા હતા. આ ચારેય જણા ભેગા થઈને મનોજભાઈને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન મનોજભાઈના પિતા, નાનો ભાઈ અને તેની પત્ની વચ્ચે પડતા તેમની સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી.

આ મામલે મનોજ બાહેતીએ શાહીબાગ પોલીસ મથકમાં પૂર્વાંગ વકીલ, તેના પિતા, રમેશ પંચાલ, મૃદલ પંચાલ અને ધ્રુવલ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ફટાકડા જોઈને ફેંકવાનું કહેતા તકરાર
શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા જયેશ રાજપૂત ગઈકાલે રાતે ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે તેમની પાડોશમાં રહેતા પ્રેમ કોષ્ટી અને યશ કોષ્ટી ફટાકડા સળગાવીને અમારા નજીક પાર્ક કરેલી ગાડી પર ફેંકતા હતા. આથી મેં બન્ને ભાઈઓને ફટાકડા જોઈને ફેંકવાનું કહેતા, તેઓ મારઝૂડ કરવા લાગ્યા હતા.

આ દરમિયાન પ્રેમ કોષ્ટીએ લોખંડની પાઈપથી મારા પર હુમલો કર્યો હતો. જ્યારે મારો મિત્ર ચિરાગ મને બચાવવા વચ્ચે પડતા તેને પણ લોખંડની પાઈપ ફટકારવામાં આવી હતી. આ દરમિયાન પ્રેમ કોષ્ટીનો બીજો ભાઈ જીમ્મી કોષ્ટી અને સબંધી સોનુ ગોખલે આવી ચડ્યા હતા અને મારા મિત્ર ચિરાગને ફટકારવા લાગ્યા હતા. જેમાં સોનુ ગોખલેએ મારા મિત્ર ચિરાગને આંખના નીચેના ભાગે ચાકુનો ઘા મારી દીધો હતો. જે બાદ 108માં ચિરાગને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે જયેશ રાજપૂતે પ્રેમ કોષ્ટી, યશ કોષ્ટી, સોનુ ગોખલે અને જીમ્મી કોષ્ટી વિરુદ્ધ બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.